સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે નાગરિકોને પોતાના વિસ્તારની હવાની ગુણવત્તા (AQI - Air Quality Index) અંગે સચોટ માહિતી આપવા માટે કરોડોના આંધણ સાથે શરૂ કરાયેલો ‘સફર’ (SAFAR) પ્રોજેક્ટ સંપૂર્ણપણે ધૂળધાણી થઈ ગયો છે. શહેરના 8 જેટલા મુખ્ય અને ગીચ વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે મૂકવામાં આવેલા તમામ મોટા LED ડિસ્પ્લે છેલ્લા ૪ વર્ષથી બંધ હાલતમાં માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઘોર બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા આ ડિજિટલ બોર્ડ્સ આજે કાટ ખાઈ રહ્યા છે.
એક ડિસ્પ્લે પાછળ 10 થી 12 લાખનો ખર્ચ, છતાં પરિણામ શૂન્ય
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2017 માં શહેરીજનોને પર્યાવરણ અને ઝેરી વાયુઓની માહિતી આપવા માટે 'સફર' પ્રોજેક્ટ હેઠળ 8 મહત્વના સ્થળોએ હાઈટેક ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા હતા. એક ડિસ્પ્લે સિસ્ટમ ઊભી કરવા પાછળ અંદાજે ₹10 થી ₹12 લાખ નો માતબર ખર્ચ સરકારી તિજોરીમાંથી કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે એક કરોડ જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 3-4 વર્ષ માંડ કાર્યરત રહ્યા બાદ, વર્ષ 2021 થી આ તમામ 8 ડિસ્પ્લે કાયમ માટે બંધ થઈ ગયા છે. છેલ્લા ચાર વર્ષથી આ ડિસ્પ્લેની સ્ક્રીન પર અંધારપટ છવાયેલો છે.ડિસ્પ્લે બંધ હોવાને કારણે સ્થાનિક રહીશો, મોર્નિંગ વોકર્સ, અસ્થમા-શ્વાસના દર્દીઓ અને સિનિયર સિટીઝન્સ જાણી શકતા નથી કે તેમના વિસ્તારની હવામાં પીએમ 2.5 કે પીએમ 10 નું પ્રમાણ કેટલું જોખમી છે.
