દક્ષિણ ગુજરાતના સહકારી માળખા અને શેરડી પકવતા હજારો ખેડૂતો માટે અત્યંત રાહતરૂપ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ખાતે આવેલી ઐતિહાસિક ‘શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી’ (શ્રી ગણેશ સુગર ફેક્ટરી) પર તોળાતું હરાજીનું સંકટ આખરે ટળી ગયું છે. ₹250 કરોડની માતબર અસ્કયામતો ધરાવતી આ સહકારી સંસ્થા પર બાકી નીકળતા ₹48 કરોડના દેવાની વસૂલાત માટે નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) દ્વારા આગામી 18 નવેમ્બરના રોજ હરાજીની સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકાર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (GSC Bank) અને કસ્ટોડિયન કમિટીના સમયસૂચક સંકલનથી દેવાની ચુકવણી માટે સહયોગ અને ખાતરી મળતાં હરાજી પ્રક્રિયા રોકાઈ ગઈ છે, જેના કારણે ફેક્ટરી સાથે જોડાયેલા હજારો ખેડૂતો અને સભાસદોમાં દિવાળી પર્વે ઉત્સાહ બમણો થઈ ગયો છે.

48 કરોડના દેવાની પતાવટ માટે GSC બેંક અને સરકારની ગેરંટી

વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અરૂણસિંહ રણા તેમજ કસ્ટોડિયન કમિટીએ આ મામલે રાજ્ય સરકાર સાથે સીધો સંપર્ક સાધી સંકટ ઉકેલવા રજૂઆત કરી હતી. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક અને રાજ્ય સરકારે ₹48 કરોડના બાકી દેવાની પતાવટ માટે સૈદ્ધાંતિક સહયોગ અને જરૂરી નાણાકીય બાંહેધરી આપી છે, જેના પગલે NCDC ની હરાજી કાર્યવાહી સ્થગિત કરવાનો માર્ગ મોકળો બન્યો છે.જો આ ફેક્ટરી હરાજીમાં ખાનગી હાથોમાં ચાલી ગઈ હોત તો હજારો ખેડૂતો અને સભાસદોના હિત જોખમાયા હોત, પરંતુ સહકારી ક્ષેત્રના સહયોગથી ખેડૂતોની આ મિલકત સુરક્ષિત રહી છે.

પત્રકાર પરિષદમાં પૂર્વ સંચાલકો સામે રાજકીય આક્ષેપોનો મારો

હરાજી અટકવાની સત્તાવાર જાહેરાત સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આર્થિક સંકટ માટે ભૂતકાળના વહીવટ સામે આકરા પ્રહારો કર્યા હતા: અરૂણસિંહ રણાએ સીધો આક્ષેપ કર્યો હતો કે ફેક્ટરીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાના કાર્યકાળ દરમિયાન ગેરવહીવટ થયો હતો. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં વિવિધ એજન્સીઓને આશરે ₹40 કરોડ જેટલી માતબર રકમ ઉધાર આપવામાં આવી હતી, જેની યોગ્ય વસૂલાત ન કરાતાં આખરે સંસ્થા ₹48 કરોડના દેવાના વિષચક્રમાં ફસાઈ ગઈ હતી. ₹250 કરોડની મિલકત માત્ર ₹48 કરોડના દેવા માટે જતી ન રહે તે માટે વર્તમાન સરકારે ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને આ ઉકેલ લાવ્યો હોવાનો દાવો કરાયો હતો.

આ પણ વાંચો: Aravalli: દિવાળી નિમિત્તે ભગવાન શામળિયાને 6 કરોડનો સોનાનો મુગટ ધરાવાયો, મંદિરમાં ઉમટી ભક્તોની ભારે ભીડ