અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાંથી માનવતાને શર્મસાર કરી દેતી અને કાળજું કંપાવી મૂકે તેવી અત્યંત ક્રૂર અને સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. લીલીયા નજીક આવેલા ગુંદરણ ગામની સીમમાં પાર્ક કરેલા એક પેસેન્જર તુફાન વાહનને બહારથી આગ ચાંપી દેવામાં આવી હતી. આ વાહનની અંદર નિરાંતે ઊંઘી રહેલા મધ્યપ્રદેશના બે નિર્દોષ શ્રમિક યુવકો જીવતા હોમાઈ ગયા હતા અને બંનેના ઘટનાસ્થળે જ ભડથું થઈ જતાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એકસાથે બે પરપ્રાંતીય યુવકોને વાહનમાં સળગાવીને મોતને ઘાટ ઉતારી દેવાતાં સમગ્ર અમરેલી પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને DYSP સહિત પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) નો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

ગાડીમાં ઊંઘી રહ્યા હતા ને કાળ ત્રાટક્યો

લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમ વિસ્તારમાં એક પેસેન્જર તુફાન વાહન ઊભું હતું. આ વાહનની અંદર મધ્યપ્રદેશથી મજૂરીકામ અર્થે આવેલા શ્રમિકો રાત્રિના સમયે સૂતા હતા.અજાણ્યા હત્યારાઓએ અત્યંત સોચી-સમજીને ઘડેલા કાવતરા હેઠળ ગાડીને બહારથી આગ લગાવી દીધી હતી, જેનાથી અંદર સૂતેલા યુવકોને બહાર નીકળવાની તક પણ ન મળી અને તેઓ આગની લપેટમાં આવી ગયા હતા.આ અતિ ઘાતકી ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર વર્ષ 16) અને નીતિન રામસીંગ પચાયા (ઉંમર વર્ષ 21) નો સમાવેશ થાય છે. બંને યુવકો મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને અહીં રોજીરોટી માટે મજૂરી કરતા હતા. આગ એટલી ભીષણ હતી કે તુફાન વાહન સંપૂર્ણપણે બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગયું હતું અને બંને યુવકોના મૃતદેહ સંપૂર્ણ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.

DYSP ના સુપરવિઝન હેઠળ સઘન તપાસ

ઘટનાની જાણ થતાં જ DYSP વિસ્મય માનસેતા પોતાના સીધા સુપરવિઝન હેઠળ લીલીયા પોલીસ સ્ટેશનના કાફલા સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આ આગ શોર્ટ સર્કિટ કે અકસ્માત ન હોતાં હત્યાના ઈરાદે જાણીજોઈને પેટ્રોલ કે અન્ય જ્વલનશીલ પ્રવાહી છાંટીને લગાડવામાં આવી હોવાની પ્રબળ આશંકા હોવાથી FSL ની ટીમે સ્થળ પરથી મહત્વના નમૂનાઓ એકત્ર કર્યા છે.લીલીયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે હત્યા (કલમ ૩૦૨) તેમજ ગુનાહિત ષડયંત્ર હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ મજૂરો સાથે કોઈ સ્થાનિક તકરાર થઈ હતી, જૂની કોઈ અદાવત હતી કે પછી વાહનના માલિક સાથે કોઈ લેવાદેવા હતી, તે તમામ પાસાઓ પર પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ કરી આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

 આ પણ વાંચો: Morbi: હળવદના ચિત્રોડીમાં એરંડાના પાકની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ; 16.57 લાખના લીલા છોડ સાથે 'રોકો' પકડાયો!