અમરેલી પોલીસે સ્માર્ટ પોલિસિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને વિદેશમાં વસતા એક NRI વેપારીને ન્યાય અપાવ્યો છે.ઓસ્ટ્રેલિયાના સીડની ખાતે રહેતા સૌરભ જોલી સાથે બે વર્ષ પહેલાં અમરેલીના એક શખ્સે સોનું અને ડાયમંડ ખરીદવાની લાલચ આપીને રૂ.11 લાખની મોટી છેતરપિંડી આચરી હતી.બે વર્ષથી પોતાના નાણાં ગુમાવી બેઠેલા NRI વેપારીએ આખરે ન્યાય મેળવવા માટે અમરેલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

SP સંજય ખરાતે સાયબર પોલીસને સોંપી તપાસ

ગત 4 જૂનના રોજ સીડનીથી સૌરભ જોલીએ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને એક ઈમેઈલ મોકલીને પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતવાર રજૂઆત કરી હતી.ઈમેઈલ મળતા જ અમરેલી SP સંજય ખરાતે મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર કેસની તપાસ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસને સોંપી હતી.સાયબર પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ દિશામાં તપાસ ચલાવીને આરોપી સામે કાયદાકીય સકંજો કસ્યો હતો.

પોલીસે મળેલી રકમ સૌરભના ખાતામાં ટ્રાન્સફર કરાવી

અમરેલી સાયબર પોલીસની ત્વરિત અને સચોટ કામગીરીને પરિણામે NRI સૌરભ જોલીને સીડનીથી ભારત આવ્યા વિના જ પોતાના ગુમાવેલા રૂ.11 લાખ પરત મળી ગયા હતા.પોલીસે છેતરપિંડીના આ નાણાં સીધા જ સૌરભ જોલીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી આપ્યા હતા.બે વર્ષ જૂના કેસનો ઉકેલ લાવીને ન્યાય અપાવવા બદલ સૌરભ જોલીએ અમરેલી પોલીસ ટીમની મુક્તકંઠે સરાહના કરી હતી અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં હાલ અતિભારે વરસાદનું સંકટ ટળ્યું, સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી