અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ ચાંચબંદર ગામ નજીકના દરિયાકાંઠે આજે ગણેશ વિસર્જન દરમિયાન એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતી વખતે અચાનક દરિયાના ઊંડા પાણી અને કરંટના કારણે 4 યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ ત્વરિત સતર્કતા દાખવીને દરિયામાંથી 3 યુવકોને સલામત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા, જ્યારે 1 યુવક ઊંડા પાણીમાં તણાઈ જતાં લાપતા બન્યો હતો.
રાજુલાના ચાંચબંદરે ગણેશ વિસર્જન વેળા અકસ્માત
ઘટનાની જાણ થતાં જ રાજુલા મામલતદાર, TDO તેમજ પીપાવાવ મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ચાંચબંદર દરિયાકિનારે દોડી આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થાનિક માછીમારો અને તરવૈયાઓની મદદથી દરિયામાં લાપતા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા પીપાવાવ સ્થિત 'ઈન્ડિયન કોસ્ટગાર્ડ' ની ટીમની પણ મદદ લેવામાં આવી છે, જે બોટ અને રેસ્ક્યૂ સાધનો સાથે દરિયામાં સઘન શોધખોળ ચલાવી રહી છે.
