રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા દ્વારિકા વિલેજ સોસાયટીમાં મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે અચાનક પાર્કિંગમાં પડેલી બે કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી. સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલી ખાનગી કંપનીના મેનેજરની બે હ્યુન્ડાઈ ઓરા (Hyundai Aura) કારને કોઈ અજ્ઞાત કારણોસર આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાજકોટના રેલનગરમાં જૂની અદાવતનો કૌફ

આ બનાવ અંગે કાર માલિક અને ખાનગી કંપનીના મેનેજર દ્વારા તેમના જ પાડોશી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, અગાઉ પાડોશી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેનો ખાર રાખીને પાડોશીએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને બંને કારને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કથિત રીતે કેદ થઈ ગઈ છે, જેમાં એક શખસ કાર પર કેમિકલ/પ્રવાહી છાંટીને આગ લગાવતો દ્રશ્યમાન થાય છે.

મેનેજરની 2 કાર સળગાવી દેવાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પ્રદ્યુમ્ન નગર પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને શંકાસ્પદ શખસની ઓળખ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. અગાઉની તકરાર અને પોલીસ ફરિયાદની વિગતો ચકાસીને પીડિત મેનેજરની ફરિયાદના આધારે પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાયદાકીય તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ambaji: મહામેળાના સમાપન પૂર્વે કલેક્ટર મિહિર પટેલ સહિત તંત્રના 500 અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટથી અંબાજી સુધી કરી પદયાત્રા