અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા રાજુલાના કોવાયા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીની કોલોની પંથકમાં થોડા દિવસો પહેલા બનેલી સિંહ દ્વારા યુવાનના શિકારની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ઉત્તરાખંડનો વતની પ્રકાશ ચંદ્ર નામનો યુવાન અહીં કંપનીમાં મજૂરી કામ કરતો હતો. વન વિભાગ અને પોલીસ દ્વારા આ ઘટનાની કડીઓ જોડવા માટે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા હતા, જે અંતર્ગત હવે પ્રકાશ ચંદ્રના મોત પૂર્વેના સૌથી છેલ્લા અને નિર્ણાયક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જે જોઈને તપાસ કરનારા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.

ઘર જવાની ઉતાવળમાં સિક્યુરિટીની વાત ન માની

સીસીટીવી ફૂટેજની વિગતો અનુસાર, પ્રકાશ ચંદ્ર પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે ફ્લાઇટ કે ટ્રેન પકડવાના આશયથી મોડી રાત્રે બરાબર 1 વાગ્યે હાથમાં પોતાની ટ્રાવેલ બેગ લઈને કંપનીની સુરક્ષિત કોલોનીમાંથી એકલો જ બહાર નીકળે છે. મધરાતનો સમય હોવાથી અને આ વિસ્તાર ગીરની સરહદ નજીક અને સિંહોની કાયમી અવરજવર વાળો રેડિયો-કોલર ઝોન હોવાથી, ગેટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પ્રકાશને રાત્રિના સમયે એકલા પગપાળા જતાં રોક્યો હતો. સિક્યુરિટી સ્ટાફે તેને સવાર સુધી રોકાઈ જવા અથવા વહેલી સવારે વાહનની વ્યવસ્થા કરીને જવા માટે ઘણી વિનંતી કરી હતી, પરંતુ વતન જવાની ઉતાવળમાં પ્રકાશ ચંદ્રએ કોઈની વાત સાંભળી ન હતી અને તે અંધારા રસ્તા પર આગળ વધી ગયો હતો.

અડધા કિલોમીટરના અંતરે જ કાળ ભેટી ગયો

કોલોનીના અલગ-અલગ સીસીટીવી કેમેરામાં પ્રકાશ ચંદ્ર રસ્તા પરથી પસાર થતો દેખાય છે, જેમાં તે એક જગ્યાએ લઘુશંકા (Toilet) કરવા માટે રોકાયો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે. આ કેમેરાની નજર જ્યાં પૂરી થાય છે, ત્યાંથી બરાબર 500 મીટર એટલે કે અડધો કિલોમીટર દૂર ઝાડીઓવાળા અવાવરુ રસ્તા પર સિંહોના પરિવારે તેના પર પાછળથી હિંસક હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ઓચિંતો અને ઘાતક હતો કે યુવાનને બૂમ પાડવાની પણ તક મળી ન હતી. વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભૂખ્યા સિંહો યુવાનને ઘસડીને અંદર લઈ ગયા હતા અને તેનું આખું શરીર આરોગી ગયા હતા, ઘટનાસ્થળેથી માત્ર થોડા અવશેષો અને કપડાં જ મળી આવ્યા હતા. હાલમાં વન વિભાગ અને પોલીસની જુદી-જુદી પાંખો આ મામલે સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરી રહી છે, તેમજ આ માનવભક્ષી બનેલા સિંહોને લોકેટ કરીને તેમને રેસ્ક્યુ કરવા માટે વન વિભાગે પાંજરા ગોઠવવાની તજવીજ પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Deesa: રાણપુર રોડ પર કાળજું ધ્રુજાવતી હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા જીપડાલાની ટક્કરે 20 ફૂટ ફંગોળાયેલી યુવતીનું મોત