અમરેલી જિલ્લાના રાજુલા સ્ટેશન નજીક ગત રાતે એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. પીપાવાવ પોર્ટથી ખાલી થઈને જઈ રહેલી એક ગુડ્સ ટ્રેનની રેન્ક અચાનક પાટા નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે આ ઘટના માલગાડીમાં આકાર પામી હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાને પગલે રેલવેની બંને લાઈનો તાત્કાલિક બંધ કરાઈ
ગુડ્સ ટ્રેનની રેન્ક પાટા પરથી ખડી પડતાં જ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આ રૂટ પરની બંને રેલવે લાઈનો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી. લાઈન બંધ થવાના કારણે આ માર્ગ પરથી પસાર થતી અન્ય ટ્રેનોના વ્યવહાર પર પણ અસર પડી હતી.
ક્રેનની મદદથી ટ્રેનને પાટા પર લાવવાની કવાયત હાથ ધરાઈ
દુર્ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને યાંત્રિક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ક્રેનની મદદથી પાટા પરથી નીચે ઉતરી ગયેલી ગુડ્સ ટ્રેનની રેન્કને ફરીથી પાટા પર લાવવાની અને રેલવે ટ્રેકને પુનઃ કાર્યરત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

દુર્ઘટના પાછળનું સાચું કારણ જાણવા તપાસ શરૂ
ટ્રેનની રેન્ક પાટા પરથી શા માટે અને કયા કારણોસર નીચે ઉતરી ગઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દુર્ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો - Amreli News: રાજ્યમાં ગઈકાલે 74 જગ્યાએ દરોડા પાડી 1 હજાર કિલો પનીર સહિતની ચીજો નષ્ટ કરાઈ : આરોગ્ય મંત્રી