ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હોટેલો અને રેસ્ટોરાં સહિત ખાણીપીણીની દુકાનોમાં અસલ દૂધમાંથી બનાવેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીસરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે એક જ દિવસમાં 74 જગ્યાએ દરોડા પાડીને એક હજાર કિલો પનીર સહિતની ચીજોને નષ્ટ કરી દેવામાં આવી છે.  

આરોગ્ય વિભાગની ઝીરો ટોલરન્સની નીતિ સાથે ઝુંબેશ

અમરેલીની મુલાકાતે પધારેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર મુકેલા પ્રતિબંધ બાદ ભેળસેળિયા માફિયાઓ સામે કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું કે, ભેળસેળયુક્ત એનાલોગ પ્રોડક્ટ્સ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. સરકારે ગઈકાલે જ આ અંગેનું ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે તેથી હવે એક પણ ભેળસેળિયાને બક્ષવામાં નહીં આવે અને તેમણે જેલ તેમજ સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. છેલ્લા ચાર મહિનાથી આરોગ્ય વિભાગ ઝીરો ટોલરન્સની નીતિ સાથે ઝુંબેશ ચલાવી રહ્યું છે. 

1 હજાર કિલો પનીર સહિતની ચીજો નષ્ટ કરાઈ

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યું હતું કે, ગઈકાલે પણ રાજ્યમાં 74 જેટલી જગ્યાઓએ દરોડા પાડીને આશરે 1,000 કિલો જેટલું ભેળસેળયુક્ત પનીર અને અન્ય બનાવટી ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. મંત્રીએ ભેળસેળિયાઓની કમર તોડી નાખવાની અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાયમ માટે ઠપ્પ કરી દેવાની કટિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે સામાન્ય જનતાને પણ ખાસ અપીલ કરી છે. તેમણે નાગરિકોને સસ્તી તેમજ બ્રાન્ડ વગરની વસ્તુઓ વેચનારા વેપારીઓ પાસેથી આવી પ્રોડક્ટ્સ ન ખરીદવા અને માત્ર માન્ય તેમજ સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. લોકોના સ્વાસ્થ્ય બાબતે વ્યાપક જાગૃતિ લાવવા અને રાજ્યભરમાં ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો જ ઉપલબ્ધ થાય તે માટે સરકાર આ ઝુંબેશને વધુ ગતિ આપશે.

આ પણ વાંચોઃ Gujarat News: પેરા મેડિકલ કોર્સના પ્રોવિઝનલ મેરિટમાં 34741 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો