ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના પરિણામો જાહેર થયા બાદ પેરા મેડિકલ કોર્સિસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રવેશ સમિતિ દ્વારા નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય પેરા મેડિકલ કોર્સિસમાં પ્રવેશ પ્રક્રિયા માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સના ગુણના આધારે આ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
56 હજારથી વધુ બેઠકો સામે 34,741 વિદ્યાર્થીઓ મેરિટમાં
રાજ્યભરમાં નર્સિંગ અને પેરા મેડિકલની વિવિધ વિદ્યાશાખાઓની કુલ 56,754 બેઠકો ઉપલબ્ધ છે.આ બેઠકો સામે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓમાંથી કુલ 34,741 વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સમગ્ર રજિસ્ટ્રેશન અને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કુલ 35,651 વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. દસ્તાવેજોમાં ખામી કે અન્ય ટેકનિકલ કારણોસર 2,526 વિદ્યાર્થીઓનો કરેક્શન મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
