ચાલુ વર્ષે અલ નીનોની અસરને પગલે શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં અનરાધાર અને ભારે વરસાદ નોંધાયો છે.આ અતિવૃષ્ટિ અને પૂર જેવી સ્થિતિના કારણે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.અતિભારે વરસાદને લીધે કપાસ, દેશી કપાસ, ડાંગર, મગફળી, તુવેર તથા બાગાયતી પાકોમાં વ્યાપક નુકસાન થયું છે.ખેડૂતોની આ વિષમ સ્થિતિને ધ્યાન પર લાવી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી જિતુ વાઘાણીને પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની રજૂઆત કરવામાં આવી છે.

માનવસર્જિત આડાશ અને જમીન ખારાપાટ થવાનું જોખમ

કિસાન સંઘે પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે,કેટલીક જગ્યાઓએ માનવસર્જિત આડાશના કારણે પાણી નિકાલના કુદરતી વહેણ બદલાઈ ગયા છે. પરિણામે પાક નુકસાનીની સાથે સાથે ખેતર ધોવાણના પણ મોટા પ્રમાણમાં બનાવો બન્યા છે.હજુ પણ કેટલાય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયેલાં રહેતાં ખેડૂતોની દયનીય હાલત થઈ છે. ખાસ કરીને રણપ્રદેશ નજીકના તાલુકાઓમાં પાણી ભરાવાના લીધે સારી ફળદ્રુપ જમીનમાં ક્ષાર આગળ વધવાની અને મહામુલે જમીન કાયમ માટે ખારાપાટમાં ફેરવાઈ જવાની ભયાનક ભીતિ સેવાઈ રહી છે.

કાયમી નિકાલ અને ત્વરિત સર્વે હાથ ધરવા માંગ

વરસાદે વિરામ લીધો હોવા છતાં ભરાયેલા પાણીના કાયમી નિકાલ માટે કલેક્ટર કક્ષાએથી આદેશ આપી રીચાર્જ વેલ બનાવવા તેમજ માનવસર્જિત આડાશો દૂર કરવા સંઘે અપીલ કરી છે. આ ઉપરાંત, રસ્તાઓના જોડાણ વખતે બનાવાયેલા નાના કદના નાળાં પહોળા કરવા અને ચોકડીઓ ખુલ્લી કરાવવી જરૂરી બની છે. આ પત્રમાં જણાવાયું છે કે, તાલુકાના જે ભાગોમાં વ્યાપક નુકસાન થયું છે ત્યાં ખેતર ધોવાણ માટે વિશેષ સહાય આપવી અત્યંત આવશ્યક છે.કારણ કે ખેડૂતોએ હવે ફરીથી નવી વાવણી કરવી પડશે.ખેડૂતોને વહેલી તકે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સત્વરે સઘન સર્વેના આદેશો કરી સહાય ચૂકવવાની દિશામાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી કરાઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેર પોલીસે 150થી વધુ પોઇન્ટ પર મોડી રાત્રે સઘન કોમ્બિંગ કર્યું, 3 યુવકની અટકાયત