અમરેલી જિલ્લાના સફારી પાર્કમાં 'સિમ્બા' નામના સિંહની બાજુમાં એક બાઇક ચાલતી હોવાનો વીડિયો ગઈકાલથી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સફારી પાર્કમાં સિંહની પજવણી થઈ રહી હોવાના સમાચારો વહેતા થયા હતા અને વન્યજીવપ્રેમીઓમાં ચર્ચા જાગી હતી. જોકે, આ સમગ્ર મામલે હવે વનવિભાગે સત્તાવાર રીતે સત્ય હકીકત ઉજાગર કરી છે. ધારીના ઇન્ચાર્જ ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) અમિત વાણીયાએ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી છે કે વાયરલ વીડિયોમાં સિંહની બાજુમાં બાઇક ચલાવનાર વ્યક્તિ કોઈ પ્રવાસી નહીં, પરંતુ ખુદ વનવિભાગનો સ્ટાફ જ છે.
દિવાળીના ટ્રાફિકને કારણે સિંહ અન્ય માર્ગ તરફ જતો હતો
દિવાળીના તહેવારોને કારણે સફારી પાર્કમાં પ્રવાસીઓ અને વાહનોનો ટ્રાફિક વધ્યો છે. સાંજે જ્યારે સફારી પાર્કનો સમય પૂર્ણ થાય ત્યારે નિયમ મુજબ સિંહને તેના રહેઠાણ (ક્રોલ/નિર્ધારિત વિસ્તાર) માં જવાનું હોય છે. આ સમયે સિમ્બા સિંહ તેના નિર્ધારિત વિસ્તારને બદલે અન્ય માર્ગ તરફ જઈ રહ્યો હતો.સિંહ અન્ય માર્ગ પર ન જતો રહે તે માટે વનવિભાગના સ્ટાફ દ્વારા બાઇક પર જઈને સિંહને રોકવામાં આવ્યો હતો અને તેને તેના રહેઠાણ વિસ્તાર તરફ વાળવામાં (ધકેલવામાં) આવ્યો હતો.
