અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટ યાર્ડમાંથી ખેતી ક્ષેત્રના મોટા સમાચાર સામે આવ્યા છે. સાવરકુંડલા APMCમાં હાલ મગફળીની આવક ચરમસીમાએ પહોંચી છે, જેના અદ્ભુત ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. યાર્ડમાં ચારેય બાજુ માત્ર મગફળીના જ મસમોટા ઢગલા નજરે પડી રહ્યા છે, જેના કારણે આખું યાર્ડ મગફળીથી ઉભરાઈ ગયું છે.
એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 55,000 મણ મગફળીની આવક
મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો પોતાના પાક સાથે ટ્રેક્ટરો અને વાહનો લઈને યાર્ડમાં ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ કે માત્ર એક જ દિવસમાં વિક્રમજનક 55,000 મણ મગફળીની મબલખ આવક નોંધાઈ હતી. પાકના ભરાવાને કારણે માર્કેટ યાર્ડ સંપૂર્ણપણે છલોછલ થઈ ગયું છે.

ખેડૂતોને મળ્યો સારો ભાવ અને નવી આવક પર બ્રેક
આ અતિશય ભીડ અને મગફળીના ભારે જથ્થાને ધ્યાનમાં રાખીને APMC સત્તાધીશો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં જગ્યાના અભાવે આગામી સમય માટે જ્યાં સુધી કોઈ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની નવી આવક સ્વીકારવા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી બાજુ, ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, તેમને સારી ગુણવત્તાની મગફળીના પ્રતિ મણ રૂ. 1600 સુધીનો સંતોષકારક ભાવ મળી રહ્યો છે.

વહીવટી તંત્ર અને વ્યવસ્થા
મગફળીની આ અણધારી અને પ્રચંડ આવકને સંચાલિત કરવા માટે માર્કેટ યાર્ડના વેપારીઓ અને સંચાલકો દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે, જેથી યાર્ડમાં આવેલી ઉપજનું યોગ્ય વેચાણ અને નિકાલ થઈ શકે.
આ પણ વાંચો: Amreli News: ધારીમાં મહિલા ફાઇનાન્સ મેનેજર સાથે ઓનલાઇન ફ્રોડ, આ રીતે ગુમાવ્યા 36.89 લાખ!