ઓનલાઈન ફ્રોડથી બચવા માટે પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વારંવાર જાગૃતિ ટિપ્સ આપવામાં આવતી હોય છે, છતાં સાયબર ઠગાઈના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં અમરેલી જિલ્લાના ધારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખાનગી કંપનીના મહિલા ફાઇનાન્સ મેનેજર પોતે જ શેર બજારમાં ઊંચા વળતરની લાલચમાં ફસાઈને રૂ. 36.89 લાખની મોટી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ મામલે બે અજાણ્યા શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કઈ રીતે આચરવામાં આવ્યું ફ્રોડ?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારીની અજંતા સોસાયટીમાં રહેતા અને 'જે આર વી ડી સ્પેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ' કંપનીમાં ફાઇનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય અરુધંતીબેન રાજીવકુમાર મુખર્જીને 'કોરા ટ્રેડ' સ્ટોક માર્કેટ પ્લેટફોર્મમાં રોકાણ કરવાના નામે વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
આરોપીઓ દ્વારા મહિલાને વારંવાર WhatsApp કોલ કરીને ટ્રેડિંગમાં ખૂબ જ સારો નફો મળશે, તેવો ભ્રામક વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. આ લાલચમાં આવીને પીડિત મહિલાએ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું.

બચતની રકમ ગુમાવવાનો વારો
ઠગ ટોળકીએ મહિલાને નફાની જાળમાં ફસાવીને તેમની જીવનભરની બચતના કુલ રૂ. 36.89 લાખ અલગ-અલગ બેંક ખાતાઓમાં તેમજ RTGS મારફતે મેળવી લીધા હતા. જોકે, લાંબા સમય સુધી રોકાણ કરેલા નાણાં તેમજ તેના પર મળનારો કથિત નફો પરત આપવામાં ન આવતા મહિલાને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. આરોપીઓએ નાણાં પડાવ્યા બાદ કોઈપણ પ્રકારનું વળતર કે મૂળ રકમ પરત ન આપીને છેડો ફાડી નાખ્યો હતો.
પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ
આ ગંભીર કિસ્સામાં 'કોરાટ્રેટ' ફાઇનાન્સ પ્લેટફોર્મના કર્મચારી તરીકે ઓળખ આપનારા ચોક્કસ મોબાઈલ નંબરના ધારક તેમજ કાર્તિક મહેતા નામે ઓળખ આપનારા વ્યક્તિ સહિત તપાસમાં ખૂલનારા અન્ય શખ્સો સામે ધારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સાયબર સેલની મદદથી બેંક ખાતાની વિગતો અને કોલ ડિટેઈલ્સના આધારે આરોપીઓને ઝડપી પાડવાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Amreliના જાફરાબાદ પાસે ગોઝારો અકસ્માત: દુધાળા ગામ નજીક કારની ટક્કરે મોપેડ ચાલકનું કરુણ મોત!