ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ ચલાલા સ્થિત દાન મહારાજની જગ્યા ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. દાન મહારાજની જગ્યાના મહંત શ્રી વલકુબાપુના ભાઈના સ્વર્ગવાસ અંગેના દુઃખદ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ રૂબરૂ મુલાકાત લઈને પરિવારજનોને ઘેરી સાંત્વના પાઠવી હતી.

રસ્તામાં ખેતરો નિહાળી કપાસના પાકની સ્થિતિ અંગે ખેડૂતો પાસેથી મેળવી વિગતો

અમરેલીથી ચલાલા જતી વખતે શંકરસિંહ વાઘેલાએ રસ્તામાં ખેતીની કથળેલી સ્થિતિ પોતે નિહાળી હતી. તેમણે વાહન રોકીને કપાસના પાકની નિષ્ફળતા અને નુકસાની જોઈ હતી તથા સ્થાનિક ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને ખેતી અંગેની વિગતો મેળવી હતી. ખેડૂતોની વર્ષભરની મહેનત, મૂડી અને આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાનું જોઈને તેઓ ભારે વ્યથિત થયા હતા.

"રાજ્યમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો"

ખેડૂતોની દુર્દશા અને પાક નિષ્ફળ જવાની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારને ગંભીર અને સ્પષ્ટ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સમગ્ર રાજ્યમાં કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 'દુષ્કાળ' જાહેર કરે અને ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ ચૂકવે.

Amreli News: Former CM Shankersinh Vaghela Visits Amreli; Urges Gujarat Govt to Declare Drought and Help Farmers

પાક નુકસાનીનું વળતર અને દેવા માફી માટે સંવેદનશીલ નિર્ણય લેવા માંગ

શંકરસિંહ વાઘેલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોને થયેલા પાક નુકસાનનું યોગ્ય વળતર મળવું જ જોઈએ. આ સાથે જ તેમણે જરૂરી કૃષિ સહાય આપવા અને ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવા માટે સરકાર તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય લે તેવી માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "જો ખેડૂત બચશે તો જ ગુજરાતની અર્થવ્યવસ્થા બચશે."

પ્રચાર અને જાહેરાતોના ખર્ચમાં કાપ મૂકી નાણાં ખેડૂતો પાછળ વાપરવા સલાહ

સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર કરોડો રૂપિયા માત્ર જાહેરાતો અને પોતાના પ્રચાર-પ્રસાર પાછળ ખર્ચી રહી છે. જો આ નકામા ખર્ચમાં ઘટાડો કરીને એ જ નાણાં ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવામાં અને તેમના આર્થિક સંકટમાં વાપરવામાં આવે તો જ ખેડૂત પરિવારને સાચી અને વાસ્તવિક રાહત મળી શકશે.


આ પણ વાંચો: Amreli News: લીલીયા મોટાની આંગણવાડીમાં ચાલુ વર્ગે ઝેરી કોબ્રા નીકળતાં સર્જાયો ભયનો માહોલ!