અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ મંડાણ કર્યા છે, જેના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની સ્તર ઝડપથી વધી રહ્યું છે. અમરેલીના ઉપરવાસમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે સ્થાનિક ઠેબી ડેમમાં પાણીની વિપુલ અને અણધારી આવક થઈ હતી. ડેમ તેના નિર્ધારિત સંગ્રહ સ્તરે પહોંચી જતાં અને પૂરના પાણી સતત વધી રહ્યા હોવાથી, સિંચાઈ વિભાગના એન્જિનિયરો દ્વારા મોડી રાત્રે 2:30 કલાકે કટોકટીની બેઠક યોજી ડેમના 6 દરવાજા 0.70 મીટર સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમરેલીનો ઠેબી ડેમ છલકાયો

https://www.instagram.com/reel/DafAk-VoFRi/?utm_source=ig_web_button_share_sheet

રાત્રિના સમયે તંત્ર દોડતું થયું, હાલ 2 દરવાજા ખુલ્લા

મધ્યરાત્રિએ ડેમના દરવાજા ખોલવામાં આવતા જ ઠેબી નદીમાં પૂરના પાણી ધસમસતા વહેતા થયા હતા. જોકે, વહેલી સવારથી ઉપરવાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરિણામે, ફ્લડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા તબક્કાવાર દરવાજા બંધ કરીને હાલની સ્થિતિએ માત્ર 2 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી ડેમની સલામતી અને સપાટી જાળવી શકાય.

નીચાણવાળા વિસ્તારો અને પ્રતાપપરાને સાવચેત રહેવા સૂચના

ઠેબી નદીમાં પૂરના પાણી છોડાવાના કારણે અમરેલી શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત ફતેપુર, ચાપાથળ અને પ્રતાપપરા ગામના સરપંચ અને સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. પ્રતાપપરા ગામના નદી કિનારે રહેતા લોકોને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા અથવા ઘરની બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે. અમરેલી કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે લોકોને અપીલ કરી છે કે, સેલ્ફી લેવા કે પૂરના દ્રશ્યો જોવા માટે નદીના પટ કે કોઝવે તરફ જવાનું જોખમ બિલકુલ ન ખેડે, નદી કિનારે જવા પર હાલ સખત પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Botad Rain: ઉપરવાસના ભારે વરસાદથી પાટણા ગામે કાળુભાર નદી બે કાંઠે, બોટાદના ખેડૂતોમાં હર્ષોલ્લાસ