અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં આવેલા અરજણસુખ ગામ નજીક બે દિવસ પૂર્વે માનવ વસ્તીમાં ઘૂસી જઈને પાંચ નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કરી દહેશત ફેલાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ ભેદી સંજોગોમાં મોત નીપજ્યું છે. વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસ અને સિંહણની વર્તણૂક પરથી તેને અત્યંત ઘાતક એવો હડકવા થયો હોવાના પ્રબળ લક્ષણો સામે આવ્યા છે. એશિયાટિક સિંહોમાં સતત વધી રહેલા હડકવાના કેસોને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વન્યજીવ નિષ્ણાતોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

આંચકી આવી અને પાંજરામાં જ દમ તોડી દીધો

અરજણસુખ ગામે સિંહણે ઉપરાછાપરી પાંચ ગ્રામજનો પર હુમલો કરતાં વન વિભાગે તાત્કાલિક કવાયત હાથ ધરીને પાંજરા મૂકી તેને કેદ કરી લીધી હતી. રેસ્ક્યૂ બાદ સિંહણને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી હતી.પ્રત્યક્ષદર્શી વનકર્મીઓના જણાવ્યા અનુસાર, પાંજરામાં પુરાયેલી સિંહણ અસામાન્ય અને આક્રમક વર્તન દર્શાવી રહી હતી. અચાનક તેને જોરદાર આંચકી (ખેંચ) આવવા લાગી હતી અને થોડી જ ક્ષણોમાં તરફડિયા મારીને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગની વેટરનરી ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક બ્લડ અને અન્ય સેમ્પલ એકત્ર કરી ફોરેન્સિક તેમજ પેથોલોજીકલ તપાસ અર્થે મોકલી આપ્યા છે.

દોઢ વર્ષમાં હડકવાને કારણે સિંહણના મોતમાં ચોથો કેસ

સૌરાષ્ટ્રના ગીર અને રેવન્યુ વિસ્તારમાં એશિયાટિક સિંહોમાં હડકવાનો ચેપ ફેલાઈ રહ્યો હોવાની આશંકા હવે ગંભીર બની ગઈ છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન આ પ્રકારનો આ ચોથો કેસ નોંધાયો છે. રાજુલાનું ધારેશ્વર: માનવો પર હુમલો કર્યા બાદ સિંહણનું હડકવાના લક્ષણો સાથે મોત થયું હતું. જાફરાબાદનું મીતીયાળા: જંગલ બોર્ડર પર આતંક મચાવ્યા બાદ સિંહણ હડકવાને કારણે મૃત્યુ પામી હતી.બાબરકોટ પંથક: અહીં પણ સિંહણ અસામાન્ય વર્તન બાદ હડકવાનો ભોગ બની હતી.વડિયાનું અરજણસુખ: આજે વધુ એક સિંહણ પાંચ લોકોને ઇજાગ્રસ્ત કર્યા બાદ હડકવાના કારણે મોતને ભેટી છે.

અન્ય વન્યજીવોના રસીકરણની માંગ

સિંહ સામાન્ય રીતે માનવો પર બિનજરૂરી હુમલા કરતા નથી, પરંતુ હડકવા ગ્રસ્ત બન્યા બાદ તેમની નર્વસ સિસ્ટમ ખોરવાઈ જતાં તેઓ અત્યંત હિંસક અને બેકાબૂ બનીને સામે આવનાર કોઈપણ જીવ પર તૂટી પડે છે.જંગલ અને ગ્રામીણ સીમ વિસ્તારોમાં રખડતા હડકવાગ્રસ્ત શ્વાનો કે અન્ય પ્રાણીઓ સાથેના સંઘર્ષને કારણે આ જીવલેણ વાયરસ સિંહોમાં ટ્રાન્સમિટ થઈ રહ્યો હોવાની શક્યતા છે. અરજણસુખની આ ઘટના બાદ વન વિભાગે સમગ્ર પંથકમાં સર્વેલન્સ વધારી દીધું છે અને સિંહોમાં સંક્રમણ અટકાવવા માટે તાત્કાલિક રસીકરણ અને નક્કર પગલાં લેવાની માંગ વન્યજીવ પ્રેમીઓમાં ઊઠી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: DRIનો દેશવ્યાપી સપાટો; 3 ઓપરેશનમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત, 5 તસ્કરોની ધરપકડ કરી