આણંદ જિલ્લાના બોરસદ શહેરમાંથી માર્ગ નિર્માણની નબળી ગુણવત્તા અને લોટ પાણી ને લાકડા જેવી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. જ્યાં તાજેતરમાં જ નવો બનાવેલા આરસીસી રોડની એકદમ બાજુમાં એક મસમોટો ભૂવો પડી ગયો હતો. જોતજોતામાં આ ભૂવાનો ઘેરાવો અને ઊંડાઈ નવા બનેલા આરસીસી માર્ગની નીચે સુધી ફેલાઈ ગઈ હતી. ભૂવો એટલો વિશાળ હતો કે તેમાં આખી ટ્રક ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
નગરપાલિકાનું જેટીંગ મશીન ભૂવામાં ખાબક્યું
ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલું બોરસદ નગરપાલિકાનું જેટીંગ મશીન અચાનક ધસી પડેલી જમીનને કારણે ભૂવામાં ઉતરી ગયું હતું. મશીન ભૂવામાં ફસાતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આખરે ઘટના સ્થળે જેસીબી મશીન બોલાવીને ભારે જહમત બાદ જેટીંગ મશીનને બહાર કાઢવામાં આવ્યું હતું.
કામગીરી માપણી સમયે જ ભ્રષ્ટાચારની પોલ ખુલી
તમને જણાવી દઈએ કે, જ્યારે આ મસમોટો ભૂવો પડ્યો, બરાબર તે જ સમયે કોન્ટ્રાક્ટરના માણસો ત્યાં રોડની માપણી કરી રહ્યા હતા. માપણી દરમિયાન જ રોડ નીચેથી જમીન ખસી જતાં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કરવામાં આવેલા નબળા કામની પોલ ખૂલી ગઈ છે. સ્થાનિકોમાં હવે નવા બનેલા આરસીસી માર્ગના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

વાહનચાલકોમાં અકસ્માતનો ભારે ભય
મુખ્ય માર્ગ પર જ આટલો મોટો ભૂવો પડી જતાં ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિક લોકોએ તુરંત જ આ ભૂવાનું પૂરાણ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ વાંચો - Anand : 22ના મોત બાદ એક વર્ષમાં નવો ગંભીરા બ્રિજ તૈયાર,ઓગસ્ટના અંત સુધી લોકાર્પણની શક્યતા