સરકારી નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયા ચાંઉ કરી જતી ઠગ ટોળકી સામે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેલવે વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી અપાવવાની ખોટી લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર રીઢા ગુનેગાર તુષાર પુરોહિત અને તેની મહિલા સાગરીત (બંટી-બબલી)ને પોલીસે દબોચી લીધા છે.
આણંદ વિસ્તારના 6 યુવાનો સાથે ઠગાઈ
આરોપીઓ પોતાને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવતા હતા અને નોકરીની શોધમાં ભટકતા બેરોજગાર યુવાનોનો સંપર્ક કરતા હતા. વિશ્વાસ સંપાદિત કર્યા બાદ તેઓ યુવાનોને રેલવેના બનાવટી (બોગસ) ઓફર લેટર, આઈ-કાર્ડ તેમજ રેલવે કોર્ટના નકલી પત્રો બનાવીને આપતા હતા અને બદલામાં મોટી રકમ પડાવતા હતા. આ ઠગ જોડીએ આણંદ વિસ્તારના 6 યુવાનોને પોતાના શિકાર બનાવી તેમની પાસેથી કુલ રૂ. 5.07 લાખની રકમ હડપ કરી લીધી હતી. નોકરી ન મળતાં અને આપેલા દસ્તાવેજો નકલી હોવાની જાણ થતાં યુવાનોએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.
