રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા પડવલા ગામે કૌટુંબિક કાકા અદ્રેમાન નોયડા અને ભત્રીજા સોહીલ અયુબ નોયડા વચ્ચે કોઈ સાધારણ બાબતે વાતચીત શરૂ થઈ હતી. જોકે, જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.

ઉપલેટાના પડવલા ગામે લોહિયાળ ખેલ

ગુસ્સામાં અંધ થયેલા ભત્રીજા સોહીલ નોયડાએ કૌટુંબિક મર્યાદાઓ ઓળંગીને પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે કાકા અદ્રેમાન પર ઝાટકા મારવાના શરૂ કરી દીધા હતા. એક પછી એક છરીના જીવલેણ ઘા વાગવાને કારણે અદ્રેમાન નોયડા લોહીલુહાણ થઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી સોહીલ સીમ તરફ ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ ભાયાવદર પોલીસ કાફલો તુરંત જ પડવલા ગામે દોડી ગયો હતો. ગામમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી સીમ વિસ્તારમાં કડક નાકાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સામાન્ય તકરારમાં ભત્રીજાએ કાકાને છરીના ઘા ઝીંકી પતાવી દીધા

ભાયાવદર પોલીસની ચોકસાઈ અને ત્વરિત કામગીરીથી નાસી છૂટેલો આરોપી ભત્રીજો સોહીલ નોયડા ગણતરીના કલાકોમાં પડવલા ગામની સીમમાંથી ઝડપાઈ ગયો હતો.પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલી તીક્ષ્ણ છરી શોધીને કબજે કરી લીધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાનો ગુનો નોંધી, તેને લોકઅપ હવાલે કર્યો છે અને વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો: Surat: સીઝનલ ફ્લૂ અને H1N1ને લઈને તંત્ર સજ્જ, આરોગ્ય મંત્રીની ટકોર બાદ ત્વરિત કામગીરી