આણંદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના જાણે લીરેલીરા ઉડી રહ્યા હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં અસામાજિક તત્વોને હવે આણંદ પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જાહેર રસ્તાઓ પર ખુલ્લેઆમ હિંસક ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. આણંદના ભરચક ગણાતા ટાઉનહોલ નજીક ખાઉધરા ગલી બહાર જાહેરમાં લોહિયાળ અથડામણ અને ચાકુબાજી થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આણંદમાં રસ્તાઓ પર ખુલ્લેઆમ હિંસક ઘટના

મળતી વિગતો અનુસાર, ટાઉનહોલ નજીક ખાઉધરા ગલી બહાર દારૂની મહેફિલ દરમિયાન યુવકો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉગ્ર ઝઘડા અને છૂટાહાથની મારામારી બાદ યુવકોએ એકબીજા પર ચાકુ અને પાઇપ વડે જીવલેણ હુમલા કર્યા હતા.જાહેરમાં ચાકુબાજીની આ ઘટનામાં ચાકુના ગંભીર ઘા વાગવાના કારણે બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

નાગરિકોની સુરક્ષા અને પોલીસની કામગીરી સામે સવાલ

શહેરના સૌથી વધુ ભીડભાડવાળા વિસ્તારમાં જાહેરમાં ચાકુઓ ઉછળવાની ઘટનાને પગલે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે. સ્થાનિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે છેલ્લા દોઢ મહિનામાં મારામારી અને હિંસાની આ ત્રીજી કે ચોથી ઘટના છે. વારંવાર બનતી આવી હિંસક ઘટનાઓ વચ્ચે આણંદ પોલીસની કામગીરી અને નાઈટ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. હવે આણંદ પોલીસ આવા બેફામ બનેલા અસામાજિક તત્વો પર ક્યારે કડક એક્શન લેશે અને કાયદાનો સકંજો કસશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Rajasthan Pushkar Fair: 21 કરોડનો ઘોડો અને 51 લાખની ભેંસ સહિત મૂછ સ્પર્ધાથી મટકા દોડ સુધી દેખાઈ સંસ્કૃતિની ઝલક