રાજસ્થાનના પવિત્ર તીર્થધામ પુષ્કર ખાતે વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળાનો પરંપરાગત ધ્વજારોહણ સમારોહ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 17 નવેમ્બર 2026 ના રોજ સત્તાવાર પ્રારંભ થયો હતો. આ મેળો મુખ્યત્વે ત્રણ તબક્કામાં આયોજિત થાય છે.જેમાં ધાર્મિક,સાંસ્કૃતિક અને પશુમેળાનો સમાવેશ થાય છે.આ સાત દિવસીય ઉત્સવ દરમિયાન પવિત્ર પુષ્કર તળાવના ઘાટ પર વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. રાજસ્થાનના અજમેર જિલ્લામાં યોજાતો આ મેળો વિશ્વના સૌથી મોટા ઊંટ અને પશુમેળાઓમાં ગણાય છે.પુષ્કર ખાતે વિશ્વનું એકમાત્ર પ્રખ્યાત બ્રહ્મા મંદિર આવેલું છે. આ મેળામાં દર વર્ષે અવનવા આકર્ષણો જોવા મળે છે.

21 કરોડ રૂપિયાની કિંમતનો ગોલ્ડન કિંગ ઘોડો
રાજસ્થાનના પુષ્કરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પશુ મેળો 2026 અત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.મેળામાં એક તરફ કરોડો રૂપિયાની કિંમત ધરાવતા ઘોડા અને ભેંસોની ચર્ચા છે તો બીજી તરફ પરંપરાગત સ્પર્ધાઓ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.21 કરોડ રૂપિયાની કિંમતનો ગોલ્ડન કિંગ ઘોડો, 7 કરોડનો ફરજંદ અને 51 લાખનો છોટા સુલતાન ભેંસ મેળામાં ખાસ ચર્ચામાં છે.આ ઉપરાંત મૂછ સ્પર્ધા અને માથે પાણીનો મટકો રાખીને દોડવાની સ્પર્ધામાં પણ દેશી-વિદેશી પ્રવાસીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

રાણા અને ગુલાબોના ડાન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
પુષ્કર મેળામાં રાણા અને ગુલાબો નામનાં ઘોડાં પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ઢોલના તાલે ડાન્સ અને કરતબ બતાવવા માટે જાણીતા આ ઘોડાઓએ અશ્વ નૃત્ય સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.રાણા અને ગુલાબોએ કોઈ ફિલ્મી ગીત વિના માત્ર પરંપરાગત ઢોલના તાલ અને માલિકના ઇશારે લયબદ્ધ રીતે પગલાં ભર્યાં હતાં. ક્યારેક આગળના પગ ઊંચા કરીને તો ક્યારેક શરીરને લયબદ્ધ રીતે ઝુલાવીને તેમણે અનોખા કરતબ બતાવ્યા હતા.ગુલાબો ઘોડીની કિંમત આશરે 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘોડાઓના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

મૂછ સ્પર્ધામાં જયપુરના કમલેશ બૂનકરનો દબદબો
પુષ્કર મેળાની પરંપરાગત સ્પર્ધાઓમાં મૂછ સ્પર્ધાનું વિશેષ મહત્ત્વ છે.રાજસ્થાનમાં મૂછને આન,બાન અને શાનનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્પર્ધામાં કુલ 39 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધામાં યુવાનોની સાથે આધેડ વયના લોકોએ પણ પોતાની આકર્ષક મૂછોનું પ્રદર્શન કર્યું હતું.સ્પર્ધાના પ્રભારી ડૉ.કુલદીપ અગ્રવાલના જણાવ્યા અનુસાર, સ્પર્ધામાં ભાગ લેનારા કરતાં તેને જોવા આવેલા લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.સ્પર્ધામાં જયપુરના કમલેશ બૂનકરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જ્યારે જોધપુરના પ્રશાંત શર્મા બીજા અને કોટાના ધન્નાલાલ ગુર્જર ત્રીજા સ્થાને રહ્યા હતા.ત્રણેય વિજેતાઓને પ્રવાસન વિભાગ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

મટકા દોડમાં ચુરુની મીના ચૌધરી પ્રથમ,વિદેશી મહિલાઓએ પણ ભાગ લીધો
પુષ્કર મેળામાં મહિલાઓ માટે યોજાયેલી મટકા દોડ સ્પર્ધાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં કુલ 15 મહિલાઓએ ભાગ લીધો હતો. તેમાં છ વિદેશી અને નવ ભારતીય મહિલાઓ સામેલ હતી.તમામ સ્પર્ધકોએ માથા પર પાણીથી ભરેલો મટકો રાખીને દોડ લગાવી હતી. આ અનોખી પરંપરાગત સ્પર્ધા જોઈને વિદેશી પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ગયા હતા.આ સ્પર્ધામાં ચુરુ જિલ્લાની મીના ચૌધરીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મીના રાજસ્થાન પોલીસ વિભાગમાં જેલ પ્રહરી તરીકે ફરજ બજાવે છે. તેમણે જીત બાદ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પુષ્કર મેળામાં પ્રથમ સ્થાન મેળવવું તેમના માટે ખૂબ જ ખાસ છે. તેઓ રાજસ્થાનના અનેક મેળાઓમાં રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યાં છે.

જાપાનથી આવેલી ઓયોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો
જાપાનથી આવેલી ઓયોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે પુષ્કર મેળાના અનુભવને શાનદાર ગણાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, અહીં રાજસ્થાનની અનોખી સંસ્કૃતિ જોવા મળી રહી છે અને મટકા દોડમાં ભાગ લઈને તેમને ખૂબ આનંદ આવ્યો હતો.ઇંગ્લેન્ડથી પરિવાર સાથે મેળાની મુલાકાતે આવેલી એક મહિલા પ્રવાસીએ પણ રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાગત રમતોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે અગાઉ તેમણે આવો મેળો કે આવી સ્પર્ધાઓ ક્યારેય જોઈ નહોતી.આમ, પુષ્કર મેળો માત્ર કરોડો રૂપિયાના કિંમતી પશુઓ માટે જ નહીં, પરંતુ રાજસ્થાનની પરંપરા, લોકસંસ્કૃતિ અને અનોખી સ્પર્ધાઓ માટે પણ દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે

પુષ્કર મેળામાં કબડ્ડીની રોમાંચક સ્પર્ધામાં વિદેશી લોકોએ ભાગ લીધો
રાજસ્થાનના અજમેરમાં પુષ્કર મેળામાં કબડ્ડીની રોમાંચક સ્પર્ધામાં સ્થાનિક ખેલાડીઓની સામે વિદેશી ખેલાડીઓએ પણ મેદાનમાં ઉતરીને પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું.સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચેની ટક્કરથી મેચ વધુ રસપ્રદ બની હતી.વિદેશી ખેલાડીઓએ સ્થાનિક ટીમને જોરદાર સ્પર્ધા આપી હતી અને મેદાનમાં રોમાંચક ક્ષણો જોવા મળી હતી.મેચમાં હારનો સામનો કરનાર એક વિદેશી સહભાગીએ કબડ્ડીની રમતના વખાણ કરતાં કહ્યું હતું કે તેને આ રમત ખૂબ પસંદ આવી અને પુષ્કરમાં આવવાનો આ તેનો પ્રથમ અનુભવ છે.પુષ્કર મેળામાં યોજાયેલી આ સ્પર્ધા સ્થાનિક રમતગમતની પરંપરા અને આંતરરાષ્ટ્રીય સહભાગિતાનો અનોખો સંગમ બની હતી.
આ પણ વાંચોઃ Rajkot News: જેતપુરમાં મોટી દૂર્ઘટના, ટ્રેનની અડફેટે બે સિંહણના મોત
