રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાંથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર અચાનક આવી ચડેલી બે સિંહણ ભાવનગર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. આ ગઝબના અકસ્માતમાં બંને સિંહણનાં ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. એકસાથે બે સિંહણ જેવા આરક્ષિત પ્રાણીઓના મોતથી સમગ્ર સૌરાષ્ટ્રના વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
રેલવે પોલીસ અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ રેલવે પોલીસે તાત્કાલિક ધોરણે સ્થાનિક ફોરેસ્ટ વિભાગને આ ગંભીર દુર્ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ જેતપુર ફોરેસ્ટ વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

વધુ તપાસ અને કાર્યવાહી માટે જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ ગયા હતા. વન વિભાગ દ્વારા મૃતક સિંહરોના મૃતદેહને કબ્જે કરી આગળની કાયદેસરની પશુચિકિત્સા અને પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં, સુરક્ષા સામે સવાલો
રેલવે ટ્રેક પર બે સિંહણનાં મોત થયાના સમાચાર વાયુવેગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ જતાં જ ભારે સંખ્યામાં સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં સિંહોની વસ્તી વધી રહી છે અને તેઓ ઘણીવાર જંગલ વિસ્તારમાંથી બહાર આવીને રેલવે ટ્રેક કે હાઇવે તરફ આવી જતા હોય છે.
અગાઉ પણ આવા અનેક અકસ્માતોમાં વન્યજીવોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોની ઝડપ નિયંત્રિત કરવા અને સિંહોના રક્ષણ માટે વધુ સઘન આયોજન કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.
આ પણ વાંચો: Rajkot News: કોન્ટ્રાક્ટર કોર્ટના ઓર્ડર સાથે 1.31 કરોડની વસુલાત કરવા RTO કચેરીએ પહોંચ્યા