ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપે આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં પડેલા ભારે વરસાદે સ્થાનિક તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં ગણતરીના કલાકોના વરસાદમાં જ પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.પેટલાદ શહેરના હાર્દસમા સાઈનાથ ચોકડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચોકડી અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ માર્ગો પરથી પસાર થવું અશક્ય બની ગયું છે, જેને કારણે પેટલાદ વાસીઓને શહેરની બહાર નીકળવાના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

તંત્રની ઘોર બેદરકારી અને લોકોની હાલાકી

સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાલિકા કે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે, નગરજનો માટે ઘરમાંથી પગ બહાર મૂકવો પણ મુશ્કેલ બની ગયો છે. ખાસ કરીને નોકરી-ધંધે જતા લોકો અને વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. પાણી ભરાયેલા રસ્તાઓમાં વાહનો બંધ પડી જવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે.

ઘરમાંથી પગ બહાર મૂકવો પણ મુશ્કેલ 

સ્થાનિક નાગરિકો હવે તંત્ર પાસે તાત્કાલિક પમ્પિંગ સેટ લગાવીને કે અન્ય યોગ્ય માધ્યમથી ભરાયેલા પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી બંધ પડેલો વ્યવહાર ફરી રાબેતા મુજબ થઈ શકે.

આ પણ વાંચો: Surat: કીમ નદીના પાણી કઠોદરા ગામમાં ઘૂસ્યા, આશિયાનગરમાં અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા