સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહી રહી છે અને તેણે ભયજનક સપાટી વટાવી દીધી છે. કીમ નદીના ધસમસતા પૂરના પાણી ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ફરી વળતાં ભયાનક જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. કીમ નદી કિનારે આવેલું કઠોદરા ગામ પૂરના પાણીમાં ખરાબ રીતે ગરકાવ થઈ ગયું છે. ખાસ કરીને કઠોદરાના આશિયાનગર વિસ્તારમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક પરિવારો અને લોકો ફસાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે સ્થાનિક લોકો તરફથી વહીવટી તંત્રને બચાવ માટે સતત રેસ્ક્યુ કોલ્સ મળી રહ્યા છે.

આર્મીની વિશેષ ટુકડી કઠોદરા પહોંચી

પૂરના પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી અને સ્થાનિક તંત્રની કામગીરીની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ભારતીય સેના (આર્મી) ની મદદ માંગવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને આર્મીની બચાવ ટુકડી અદ્યતન સાધનો, ઈમરજન્સી લાઈફ બોટ અને અન્ય સુરક્ષા ઉપકરણો સાથે કઠોદરા પહોંચી ગઈ છે.

આશિયાનગરમાં મહા-રેસ્ક્યુ ઓપરેશન શરૂ

આર્મીના જવાનોએ કઠોદરાના આશિયાનગરમાં મોરચો સંભાળી લીધો છે. જે ઘરોમાં લોકો ફસાયેલા છે ત્યાં બોટ મારફતે પહોંચીને તેમને પ્રાથમિક રાહત સામગ્રી પૂરી પાડવાની અને તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Porbandar બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું: દરિયામાં ભારે કરંટ વચ્ચે ઉંચા મોજાં ઉછળ્યા