આણંદ જિલ્લાના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રવિ સિઝન 2026-27 દરમિયાન જિલ્લાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી નહીં છોડવાનો સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગની આ સત્તાવાર જાહેરાતના પગલે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ચિંતા અને નિરાશાનો માહોલ છવાઈ ગયો છે. વિભાગ દ્વારા ખેડૂતોને રવિ પાકનું આગોતરું આયોજન કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

90 હજાર હેક્ટર જમીનનું વાવેતર અને 64 ટકા ખેડૂતો પ્રભાવિત

પ્રાપ્ત અંદાજ મુજબ, જિલ્લાના આશરે 64 ટકા જેટલા ખેડૂતો સિંચાઈ માટે સંપૂર્ણપણે કેનાલના પાણી પર નિર્ભર છે. કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવે તો આશરે 90 હજાર હેક્ટર જેટલી જમીનનું વાવેતર સીધી રીતે પ્રભાવિત થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. સમયસર પાણી ન મળવાને કારણે ખેડૂતોએ પાક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

તમાકુ સહિત ઘઉં, ડાંગર અને શાકભાજીના પાક પર તોળાતું જોખમ

આણંદ જિલ્લાના બોરસદ, પેટલાદ, ઉમરેઠ, આંકલાવ અને સોજીત્રા જેવા વિસ્તારોમાં મોટા પાયે તમાકુની ખેતી થાય છે. માત્ર આ પાંચ જ તાલુકાઓમાં 63,770 હેક્ટર વિસ્તારમાં થતી તમાકુની ખેતી પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, કેનાલનું પાણી નહીં મળે, તો તમાકુની સાથે-સાથે ઘઉં, ડાંગર, શાકભાજી તેમજ કેળના પાકને પણ વ્યાપક નુકસાન થવાની પૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Anand News: Rabi Season Crisis: No Water in Canals

સરકાર અને તંત્રના આગામી નિર્ણય પર ખેડૂતોની મીટ

સિંચાઈ વિભાગના આ કઠોર નિર્ણય સામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે હવે ખેડૂતોની મીટ રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગના અંતિમ નિર્ણય પર મંડાઈ છે, જેથી અન્નદાતાઓને રાહત મળી શકે.


આ પણ વાંચો: Anand :વાઘ બકરીના સહયોગથી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં HDF ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરાયું