આણંદ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાસદ નજીક આવેલા સુંદણ ફાટક પાસેથી એક ટોયોટા રૂમીઓન કારમાંથી શંકાસ્પદ નશીલો પદાર્થ ઝડપી પાડ્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની પ્રાથમિક તપાસમાં જપ્ત કરવામાં આવેલો પદાર્થ વનસ્પતિજન્ય સૂકો ગાંજો હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ થયું છે.

55.920 કિલોગ્રામ ગાંજો અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કારની અંદર ચાર અલગ-અલગ બેગમાં પ્લાસ્ટિક અને સેલોટેપથી પેક કરીને કુલ 28 પારદર્શક ડબ્બામાં ગાંજો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ 55.920 કિલોગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 27,96,000 રૂપિયા આંકવામાં આવી છે.

ગાંજાના આ જથ્થા ઉપરાંત કારમાંથી 3,09,800 રૂપિયા રોકડા, આરોપીઓ પાસેથી વધારાના 1,000 રૂપિયા રોકડા, 3 મોબાઈલ ફોન અને 5,00,000 રૂપિયાની કિંમતની ટોયોટા રૂમીઓન કાર મળીને કુલ 36,17,800 રૂપિયાનો મસમોટો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

https://x.com/sandeshnews/status/2125650487911555550?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2125650487911555550%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ, ડ્રાઈવર ફરાર

આ ડ્રગ્સ રેકેટમાં પોલીસે ઘટના સ્થળેથી જ બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજુલાની ગીતાબેન વાળા અને ભાવનગરના શાહીદ ચૌહાણનો સમાવેશ થાય છે. જોકે, પોલીસ ચેકિંગ દરમિયાન કારચાલક અફઝલ વોશરૂમ જવાના બહાને યુક્તિપૂર્વક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા બંને આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

વાસદ પોલીસ મથકે ગુનો દાખલ, અન્ય શખ્સોની સંડોવણીની તપાસ

આ સમગ્ર મામલે વાસદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(C), 25 અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફરાર ડ્રાઈવર અફઝલ, ગાંજો સપ્લાય કરનારા રાજુભાઈ તેમજ આ નેટવર્ક સાથે જોડાયેલા સાધુબાવાની સંડોવણી અંગેના કેટલાક મહત્વના નામ સામે આવ્યા છે, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ વધુ તીવ્ર બનાવ્યો છે.


આ પણ વાંચો: Anand News: બોરસદ નગરપાલિકાના કર્મચારીઓની 26 દિવસની હડતાળ સમેટાઈ, ઇન્ચાર્જ પ્રમુખના આગમન સાથે જ મામલો થાળે પડ્યો