આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી રોકવા માટે આણંદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કરમસદ વિસ્તારમાં આવેલી એક શાળાની સામેના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.
કરમસદમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર
બાતમીના આધારે SOG પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ સમયે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેતરના સેઢા પરથી ગેરકાયદેસર વાવવામાં આવેલા લીલા અને સુકા મળીને ગાંજાના કુલ 8 છોડ મળી આવ્યા હતા, જેનું ફોરેન્સિક પરીક્ષણ કરાવી પોલીસે કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી મળી આવેલા 8 છોડનું વજન કરતાં તે 4.100 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું. આ જપ્ત કરાયેલા નશાકારક જથ્થાની આંતરરાષ્ટ્રીય/બજાર કિંમત રૂ. 2.05 લાખ આંકવામાં આવી છે.
