ભારતીય કોસ્ટ ગાર્ડના પ્રતિષ્ઠિત જહાજોમાં સ્થાન ધરાવતા ICGS ‘મીરા બહેન’ને ઓખા પોર્ટ ખાતે આયોજિત એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં સેવા નિવૃત્ત કરવામાં આવ્યું છે. 25 જુલાઈ 2006ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ જહાજને ભારતીય કોસ્ટ ગાર્ડના બેડામાં વિધિવત રીતે કમિશન કરવામાં આવ્યું હતું.
ડીજી મંજીત સિંહ ગિલે જહાજના ક્રૂની દેશસેવાને બિરદાવી
ઓખા પોર્ટ ખાતે યોજાયેલી પરંપરાગત ‘સનસેટ સેરેમની’ દરમિયાન સશસ્ત્ર દળોના સંપૂર્ણ સન્માન સાથે જહાજ પરથી છેલ્લી વખત કોસ્ટ ગાર્ડ એન્સાઇન (ધ્વજ) અને ડીકમિશનિંગ પેનન્ટ ઉતારવામાં આવ્યા હતા. આ ભાવુક ક્ષણે કોસ્ટ ગાર્ડના જવાનો અને અધિકારીઓએ જહાજને સલામી આપી હતી. જહાજ ICGS ‘મીરા બહેને’ પોતાના બે દાયકા (20 વર્ષ) કરતાં પણ વધુ સમયના સેવાકાળ દરમિયાન દેશની પશ્ચિમી અને અન્ય દરિયાઈ સરહદો પર સતત ગસ્ત લગાવીને ઘૂસણખોરી, તસ્કરી અને દરિયાઈ સુરક્ષા સંબંધિત અનેક મહત્વપૂર્ણ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.
