રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી રહેલી પૂર્વ કચ્છ પોલીસે અંજાર શહેરમાં મોટી કારવાઈ હાથ ધરી છે. અંજારના અતિ સંવેદનશીલ ગણાતા શેખ ટિંબો વિસ્તારમાં ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સરકારી કે ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીનો પર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા.
દાદાગીરીના જોરે જમીનો પચાવી
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ કાફલા અને નગરપાલિકા/મહેસૂલ ટીમ સાથે રાખીને શેખ ટિંબો વિસ્તારમાં દરોડા જેવા માહોલમાં ડિમોલિશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન આશરે રૂ. 1 કરોડની કિંમતના 5 જેટલા પાકા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે તમામ આરોપીઓ ભૂતકાળમાં છેતરપિંડી, ચોરી તેમજ એનડીપીએસ (NDPS) જેવા ગંભીર અને અસામાજિક ગુનાઓમાં સંડોવાયેલા છે. ગુનાખોરીના કાળા કારોબારમાંથી મેળવેલી રકમ અને દાદાગીરીના જોરે આ ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા.
