બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા અંતર્ગત આવતા લવાણા ગામે ગોગા મહારાજના મંદિરમાં થોડા દિવસો પૂર્વે તસ્કરોએ ત્રાટકીને ભગવાનના ચાંદીના આભૂષણો અને છત્તરની ચોરી આચરી હતી. ધાર્મિક સ્થાનકમાં ચોરીની ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

મંદિરમાં આભૂષણો અને છત્તરની ચોરી

આ સંવેદનશીલ ગુનાનો ઉકેલ લાવવા બનાસકાંઠા LCB ની ટીમે ખાસ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન LCB ના અધિકારીઓએ મંદિર અને આસપાસના તેમજ હાઇવે પરના આશરે 200 જેટલા CCTV કેમેરાના ફુટેજ બારીકાઈથી ચકાસ્યા હતા, જેના આધારે શંકાસ્પદ વાહન અને આરોપીઓનું સુરાગ મળ્યું હતું.મળેલી ચોક્કસ બાતમી અને સર્વેલન્સના આધારે LCB ની ટીમે કુવાણા ગામની સીમમાં નાકાબંધી અને વાહન ચેકિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન પસાર થઈ રહેલા શકમંદોને રોકી તપાસ કરતાં તેમની પાસેથી ચોરી કરાયેલા ચાંદીના છત્તર અને મુગટ સહિત રૂ. 2,34,000 (બે લાખ ચોત્રીસ હજાર) નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી 

પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના આબુરોડના રહેવાસી એવા 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આ ચોરીમાં તેમની સાથે અન્ય 2 સાગરીતો પણ સામેલ હોવાનું ખૂલતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. LCB એ જપ્ત કરાયેલા મુદ્દામાલ અને ત્રણેય આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી અને રિમાન્ડ અર્થે દિયોદર પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સસ્તું સોનું આપવાની લાલચ આપી 1.08 કરોડની ઠગાઈ કરનાર બોટાદથી ઝડપાયો, વરાછા પોલીસની મોટી સફળતા