સુરત શહેરમાં આર્થિક ગુનાઓ આચરતા ભેજાબાજો અવનવી તરકીબો અજમાવીને લોકો અને વેપારીઓને ચૂનો લગાવી રહ્યા છે. વરાછા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી પરેશભાઈ રણછોડભાઈ ડોબરીયા (રહે. જમીન-મકાનનો ધંધો) એ ફરિયાદી વેપારીનો સંપર્ક કર્યો હતો. તેણે મુંદ્રા પોર્ટ પરથી બજારભાવ કરતાં 4% સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.
સસ્તા સોનાની લાલચે ઠગાઈ
સોનું ખરીદવાની લાલચમાં આવી ગયેલા ફરિયાદી પાસેથી આરોપી પરેશ ડોબરીયાએ પ્રથમ એડવાન્સ પેટે રૂ. 15 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ બાકીના સોનાનો જથ્થો આપવાના બહાને ફરિયાદીને સાણંદ ટોલનાકા પાસે બોલાવ્યો હતો અને ત્યાં વધુ રૂ. 93 લાખ રોકડા પડાવી લીધા હતા. સાણંદ ટોલનાકા પાસે રોકડા રૂ. 93 લાખ હાથમાં આવી જતાં જ આરોપી પરેશ ડોબરીયા પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને પોતાની મોંઘીદાટ ઓડી કારમાં સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ આખરે વરાછા પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
