અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામેથી એક અત્યંત ચિંતાજનક અને કાયદા-વ્યવસ્થા સામે લાલબત્તી ધરતો કિસ્સો સામે આવ્યો છે. દઢાલ ગામે રહેતી એક પરણીતાએ સાસરિયા પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળીને ગત 11 જુલાઈના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
દઢાલ ગામે પરણીતાના આપઘાત બાદ ફરિયાદ
પરણીતાના આપઘાત બાદ તેના પિતાએ સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્ન બાદથી જ પરણીતાને પિયરમાંથી વધુ દહેજ અને કિંમતી ચીજવસ્તુઓ લાવવા બાબતે સાસરિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. દહેજની ભૂખ સંતોષવા માટે પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા ભેગા મળીને પરણીતાને અવારનવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને તેને અસહ્ય શારીરિક તેમજ માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના ત્રાસ અને ઘરકંકાસથી કંટાળીને આખરે પરણીતાએ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું.
