અરવલ્લી જિલ્લામાં ચકચાર મચાવનારા ટ્રેક્ટર ભાડા કૌભાંડમાં વધુ એક મોટી કડી સામે આવી છે.માલપુર તાલુકાના ખેડૂતો બાદ હવે મેઘરજ તાલુકાના ખેડૂતો પણ આકૌભાંડનો ભોગ બન્યા છે.ટ્રેક્ટર ભાડા કરારના નામે મેઘરજના વધુ 22 ખેડૂતો સાથે 89.25 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની નવી ફરિયાદ દાખલ થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.આ નવી ફરિયાદ સાથે જ અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 38 ટ્રેક્ટરો મળીને અંદાજે 1 કરોડ 89 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે.
કરાર પૂરો થયો છતાં 22 ટ્રેક્ટર અને 4 ટ્રેલર પચાવી પાડ્યા
મેઘરજ પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદ મુજબ,કૌભાંડીઓએ ખેડૂતો પાસેથી 22 ટ્રેક્ટરો અને 4 ટ્રેલર ઉંચા ભાડાની લાલચ આપીને ભાડા કરાર હેઠળ લીધા હતા. એવો આક્ષેપ છે કે આરોપીઓએ ખેડૂતોને નક્કી કર્યા મુજબનું ભાડું તો ચૂકવ્યું જ નથી પરંતુ કરારની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ ખેડૂતોના કિંમતી ટ્રેક્ટર અને ટ્રોલી પોતાના ગેરકાયદેસર કબજામાં રાખીને પરત આપ્યા નથી.આ છેતરપિંડીના મામલે ભોગ બનનાર ખેડૂતો વતી ત્રણ મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં વિજયભાઈ પરમાર,સુનીલભાઈ પરમાર અને પ્રવિણભાઈ મસાર સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે.
