ગુજરાતમાં બે દિવસ વરસાદ થયા બાદ ચોમાસુ નબળુ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ગરમી અને બફારાને કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. રાજ્યમાં આગામી સપ્તાહમાં ઓછા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હાલમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે. રાત્રે આઠ વાગ્યા સુધી રાજ્યના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 

રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ જિલ્લામાં રાત્રે આઠ વાગ્યા સુધી છુટો છવાયો વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. 40 કિ.મીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.  

ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી 

ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તર અને પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ અને બિહારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આજે મેઘાલયમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગે પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તા બંધ થવા અને પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે.બીજી તરફ પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ સાથે તોફાની પવન અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: મ્યૂલ એકાઉન્ટના મુખ્ય આરોપીઓ અપહરણ અને ખંડણીનું નેટવર્ક ચલાવે છે, ક્રિષ્ના પેન્ટોની ધરપકડ