અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલી ધી નારણપુર સેવા સહકારી મંડળી સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિનો મોટો આક્ષેપ સામે આવ્યો છે. દુકાનમાં અનાજનો મોટો જથ્થો ગાયબ હોવાની વિગતો બહાર આવી છે. સંચાલકે અનાજની ઘટ છુપાવવા ઘઉંની થેલીઓમાં ખાતર ભરી દીધું હતું. આ ગેરરીતિ સામે આવતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

સરકારી અનાજ વિતરણમાં ગંભીર ગેરરીતિ 

મેઘરજ તાલુકાની નારણપુર સેવા સહકારી મંડળીમાં સરકારી અનાજ વિતરણમાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી છે. સ્થાનિક સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગેરરીતિનો મોટો આક્ષેપ થયો છે. સંચાલકે ગરીબોના હક્કનું અનાજ બારોબાર સગેવગે કરી દીધું હતું. દુકાનમાં નિયત જથ્થા સામે તપાસ દરમિયાન મોટો તફાવત જોવા મળ્યો હતો.

બારદાનમાં યુરિયા ખાતર ભરી રાખવામાં આવ્યું

સંચાલક દ્વારા અનાજના જથ્થામાં પડેલી મોટી ઘટ ઢાંકવા કાવતરું ઘડાયું હતું. સંચાલકે ઘઉંની બોરીઓમાં યુરિયા ખાતરની થેલીઓ સંતાડી દીધી હતી. અનાજનો જથ્થો પૂરો બતાવવા ઘઉંના બારદાનમાં યુરિયા ખાતર ભરી રાખવામાં આવ્યું હતું. 

બોરીઓમાં તુવેર દાળનો જથ્થો પણ ભરાયો

આ ઉપરાંત ગેરરીતિ છુપાવવા ઘઉંના બારદાનમાં ચણા દાળ ભરી દેવાઈ હતી. એટલું જ નહીં, ઘઉંની બોરીઓમાં તુવેર દાળનો જથ્થો પણ ભરાયો હતો. ગોડાઉનમાં ઘઉંની જગ્યાએ ખાતર અને દાળ મૂકી ટીમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો.

3,716 કિલો ઘઉંનો જથ્થો સંપૂર્ણપણે ગાયબ 

ગરીબોના રાશનમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ગાયબ થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તપાસ દરમિયાન દુકાનમાંથી 3,716 કિલો ઘઉંનો જથ્થો સંપૂર્ણપણે ગાયબ મળી આવ્યો હતો. આ સાથે 2,683 કિલો ચોખાનો મોટો જથ્થો પણ ગુમ થયેલો જણાયો હતો.

સંચાલક સામે ગામલોકોમાં ભારે આક્રોશ 

સ્ટોકમાંથી 695 કિલો ખાંડનો મોટો જથ્થો પણ ગાયબ થયો હોવાનો પર્દાફાશ થયો છે. ગરીબોના મુખમાંથી અનાજ છીનવી લેતી ગેરરીતિ બહાર આવતાં ગ્રામજનો એકઠા થયા હતા. ગરીબોના અનાજમાં યુરિયા ખાતર ભેળવી છેતરપિંડી આચરનાર સંચાલક સામે ગામલોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

પુરવઠા વિભાગની ટીમ તાકીદે હરકતમાં આવી 

ગેરરીતિની ફરિયાદ બાદ મેઘરજ પુરવઠા વિભાગની ટીમ તાકીદે હરકતમાં આવી હતી. પુરવઠા વિભાગની ટીમે નારણપુર મંડળી ખાતે પહોંચી સ્થળ તપાસ કરી હતી. અધિકારીઓની ટીમે અનાજના તમામ જથ્થાની સ્થળ પર જ વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ટીમે વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ તપાસ રિપોર્ટ આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીને સોંપવામાં આવ્યો છે. ગરીબોનું અનાજ સગેવગે કરનાર જવાબદાર સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ગ્રામજનો કરી છે. 


આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો