ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના ટપોટપ મોત થતાં સરહદી જિલ્લા અરવલ્લીમાં હડકંપ મચી ગયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, આ બંને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 11 પોઝિટિવ અને શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૫ બાળકો જિંદગીની જંગ હારી ગયા છે. આ ભયાનક સ્થિતિને જોતાં અરવલ્લી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) દ્વારા સમગ્ર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) ને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. અરવલ્લી જિલ્લો ભૌગોલિક રીતે રાજસ્થાન સરહદ સાથે જોડાયેલો હોવાથી આંતરરાજ્ય અવરજવર ધરાવતા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

માલપુર અને મેઘરજ પંથકમાં યુદ્ધના ધોરણે દવાનો છંટકાવ

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 'સેન્ડ ફ્લાય' (કાદવ-કચરો અથવા રેતીમાં થતી માખી) કરડવાથી ફેલાય છે. આ માખીઓ સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કાચા મકાનો, પશુઓના કોઢ અને દીવાલોની તિરાડોમાં આશ્રય લેતી હોય છે. જેના કારણે કાચા મકાનોમાં રહેતા અને જમીન પર સૂતા નાના બાળકો ખૂબ જ સરળતાથી આ ઘાતક રોગનો ભોગ બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અરવલ્લીના માલપુર અને મેઘરજ પંથકના અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય વિભાગની મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW) ની ટીમો ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા કાચા મકાનોમાં સઘન સર્વેક્ષણ હાથ ધરીને માલથિયોન પાવડર અને અન્ય જંતુનાશક દવાઓનો સ્પેસીફીક છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી માખીના લાર્વા અને ઉપદ્રવને મૂળમાંથી જ ખતમ કરી શકાય.

વાલીઓ માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન

અરવલ્લી જિલ્લામાં અગાઉ વર્ષ 2024 માં પણ ચાંદીપુરા વાયરસના કેસો પ્રકાશમાં આવ્યા હતા, જેથી સ્થાનિક તંત્ર પાસે આ રોગચાળાને કાબૂમાં લેવાનો પૂર્વ અનુભવ છે. આરોગ્ય અધિકારીઓએ વાલીઓને અત્યંત સતર્ક રહેવા અપીલ કરી છે. જો કોઈ બાળકને અચાનક તીવ્ર તાવ આવે, માથામાં અસહ્ય દુખાવો થાય, ઉલટીઓ થાય કે આંચકી (ખેંચ) આવવાના લક્ષણો દેખાય, તો તેને સામાન્ય ચોમાસુ તાવ માનીને ઘરેલુ ઉપચાર કરવાના બદલે તુરંત જ સરકારી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત પાસે લઈ જવું જરૂરી છે. તબીબોના મતે, આ વાયરસમાં શરૂઆતના ૨૪ કલાક ખૂબ જ મહત્વના હોય છે, જો સમયસર સારવાર મળી જાય તો માસૂમ બાળકોનો જીવ બચાવી શકાય છે.

આ પણ વાંચો: Junagadh: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક, પ્રવાસન અને કૃષિ નિકાસને મળશે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ