અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધી ધુઆંધાર બેટિંગ કરી છે. વાદળોના ગડગડાટ અને વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા તોફાની વરસાદે સમગ્ર જિલ્લાને ભીંજવી દીધો છે.સૌથી વધુ વરસાદી જોર ભિલોડા તાલુકામાં જોવા મળ્યું હતું. ભિલોડામાં વહેલી પરોઢે માત્ર ૨ કલાકના ગાળામાં આકાશમાંથી મુસળધાર ૩ ઇંચ જેટલું પાણી ઝીંકાયું હતું. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે ભિલોડા સબ-ડિવિઝનના મુખ્ય રસ્તાઓ, બાહ્ય વિસ્તારો અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા.
ઇન્દ્રાશી નદીમાં પૂરના નવા નીર
ઉપરવાસ અને ભિલોડા પંથકમાં અનરાધાર વરસાદ વરસવાના કારણે સ્થાનિક ઇન્દ્રાશી નદીમાં પૂરના નવા નીરની મોટી આવક થઈ છે. સુકાઈ ગયેલી ઇન્દ્રાશી નદીમાં ઘોડાપૂર સમાન પાણીના પ્રવાહને જોઈને સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ પાણીની આવકથી આસપાસના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની પૂર્ણ શક્યતા છે.
રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ સિવાય મોડાસા, બાયડ, માલપુર અને ધનસુરા સહિતના અન્ય તાલુકાઓમાં સરેરાશ ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસેલા આ અમૃતધારા સમાન વરસાદથી મકાઈ, કપાસ અને મગફળી જેવા ચોમાસું પાકોને નવું જીવનદાન મળતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Rajkot: શહેરમાં 15 દિવસમાં 48 ગેરકાયદે હથિયારો જપ્ત, કુવાડવા રોડ પરથી 4 પિસ્તોલ સાથે 2 પકડાયા