ગુજરાતમાં વધી રહેલા માર્ગ અકસ્માતોની હારમાળામાં વધુ એક જીવલેણ અકસ્માત અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં નોંધાયો છે. મળતી સત્તાવાર માહિતી અનુસાર, અમદાવાદ ડેપોની એક એસટી બસ મુસાફરોને ભરીને વિજયનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ભિલોડા નજીક આવેલા જાયલા ગામના હાઇવે કટ પાસે એસટી બસ અને એક મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઇવે પર ઓવરટેક કરવા જતાં એસટી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સવારને જોરદાર ટક્કર મારી દીધી હતી.આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક સીધો એસટી બસના નીચેના ભાગમાં ધકેલાઈ ગયો હતો અને કાળમુખી બસે તેને કચડી નાખ્યો હતો. શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇક સવારનું એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં, ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત જાયલા નજીક પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat: રિક્ષામાં બેસાડી કેફી પદાર્થ સુંઘાડી લૂંટ ચલાવતી આંતરરાજ્ય રિક્ષા ગેંગના 4 સાગરીતો ઝબ્બે