સુરતમાં રિક્ષામાં બેસતા મુસાફરો, ખાસ કરીને સોનાના દાગીના પહેરેલી મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવતી એક અત્યંત શાતિર ગેંગ સક્રિય થઈ હતી. આ ગેંગે થોડા દિવસો પહેલાં સુરતના વ્યસ્ત એવા કાપોદ્રા ચાર રસ્તા પાસેથી એક 75 વર્ષીય વૃદ્ધાને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હતા. રિક્ષા ચાલુ થયા બાદ ગેંગમાં સામેલ મહિલાઓ અને પુરુષોએ વૃદ્ધાને કોઈ કેફી કે નશીલો પદાર્થ સુંઘાડી દીધો હતો. વૃદ્ધા બેભાન થઈ જતાં જ નરાધમોએ તેમના હાથમાંથી સોનાની બંગડીઓ કાપી લૂંટ ચલાવી હતી અને તેમને રસ્તામાં જ ક્યાંક ઉતારીને રફુચક્કર થઈ ગયા હતા.


વડોદરાના સોની સાથે કનેક્શન અને નાણાંની વહેંચણી

આ ગંભીર ગુનાની સમાંતર તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખી ગેંગને દબોચી લીધી છે. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ટોળકીએ વૃદ્ધા પાસેથી લૂંટેલી રૂા. ૧.૨૫ લાખની સોનાની બંગડીઓ વડોદરાના એક સોનીને રૂા. 2 લાખમાં વેચી મારી હતી. લૂંટની આ રકમ હાથમાં આવ્યા બાદ મુખ્ય આરોપી રાજેશે ગેંગના સભ્યો સાથે ભારે છેતરપિંડી કરી હતી. રાજેશે લૂંટમાં સાથ આપનારી બંને મહિલાઓને માત્ર 5-5 હજાર રૂપિયા અને રિક્ષાના ડ્રાઇવરને માત્ર 7 હજાર રૂપિયા આપ્યા હતા, જ્યારે બાકીની સિંહફાળ જેવી મોટી રકમ તે પોતે હજમ કરી ગયો હતો.

ગુરુગ્રામ સુધી લૂંટના તાર જોડાયા

ક્રાઇમ બ્રાન્ચની આકરી પૂછપરછમાં આ ટોળકીના આંતરરાજ્ય કનેક્શનનો પણ પર્દાફાશ થયો છે. આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ તેમણે હરિયાણાના હાઇટેક સિટી ગુરુગ્રામ (ગુરગાંવ) માં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી મુસાફરોને બેભાન કરીને મોટી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓની કડક અટકાયત કરીને વડોદરાના એ સોનીને પકડવા અને ગુરુગ્રામ પોલીસ સાથે સંકલન સાધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad News: ગરીબનગર ચાર રસ્તા પાસે ડ્રાઈવરને ચક્કર આવતાં કાર હોટેલમાં ઘૂસી, એક વ્યક્તિનું મોત


  • Follow us on: