અમદાવાદના ગરીબનગર ચાર રસ્તા પાસે આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. એક વાહનચાલકને ડ્રાઈવિંગ દરમિયાન અચાનક ચક્કર આવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.જેના કારણે ભીષણ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ડ્રાઇવરને ચક્કર આવતા સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, ડ્રાઈવરને ગાડી ચલાવતી વખતે અચાનક સ્વાસ્થ્ય બગડતા ચક્કર આવ્યા હતા.ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો ખેંચ આવી હોય, જેના કારણે વાહન બેકાબૂ બન્યું હતું અને આસપાસના લોકોને અડફેટે લીધા હતા.આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.જેની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
રીક્ષાને અડફેટે લઈ ત્રણ એક્ટિવાને અડફેટે લીધા
ઓઢવમાં વિરાટ નગર રોડ પર રહેતા પટેલ મયંક કુમાર દીપકભાઈ અને તેમના પત્ની ડિમ્પલબેન અને દિકરો કારમાં સવાર હતાં. કાર ચાલકને કાર ચલાવતા સમયે આંચકી આવી જતા ગરીબનગર ચાર રસ્તા પાસે એક રીક્ષા ચાલકને અડફેટે લીધો હતો.ત્યાર બાદ 3 એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતાં. જેમાંથી એક એકટીવચાલક યુવતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ મામલે એચ ટ્રાફિક દ્વારા તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યારે કારચાલકને આંચકી આવતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ડ્રાઈવરને ખરેખર શું થયું હતું તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.આ ઘટનાને પગલે ગરીબનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.આસપાસના લોકોની ભીડ ઘટના સ્થળે એકઠી થઈ ગઈ છે.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે જેથી અકસ્માતની ચોક્કસ વિગતો જાણી શકાય.
આ પણ વાંચોઃ Junagadh News: ગીર અભયારણ્ય આજથી 4 મહિના સુધી રહેશે બંધ, વન્યજીવોના પ્રજનન માટે નિર્ણય લેવાયો