નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવેથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર વાહન રિપેરિંગ અને પંક્ચરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ પહોંચાડવાનો છે.


મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે

NHAI દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ હાઈવે પર આવેલી વેઈસાઈડ એમેનિટીઝ એટલે કે રસ્તાની બાજુમાં આવેલી સુવિધાઓમાં હવે ખાસ રિપેર શોપ અને પંક્ચરની દુકાનો શરૂ કરવામાં આવશે.અત્યાર સુધી લાંબા અંતરની મુસાફરી દરમિયાન જો વાહન બગડે કે ટાયર પંક્ચર થાય તો વાહનચાલકોએ ઘણીવાર કલાકો સુધી મિકેનિકની રાહ જોવી પડતી હતી અથવા તો દૂર સુધી વાહન ખેંચીને જવું પડતું હતું.નવી વ્યવસ્થાના અમલીકરણથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.આ નવી વ્યવસ્થાથી વાહન બગડવાની સ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે જેથી તેઓ ઝડપથી મુસાફરી ફરી શરૂ કરી શકશે.

સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો

અગાઉ વાહન રિપેરિંગ માટે જે સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થશે.અકસ્માત કે વાહન બંધ પડવા જેવી સ્થિતિમાં હાઈવે પર ઊભા રહેવું જોખમી બની શકે છે.રિપેરિંગ સુવિધા ઉપલબ્ધ હોવાથી વાહનચાલકો વધુ સુરક્ષિત અનુભવશે.ઘણીવાર હાઈવે પર વાહનો અધવચ્ચે અટવાઈ જવાને કારણે પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત થવાની શક્યતા રહે છે. જો રિપેરિંગ સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ હશે તો વાહનને જલ્દીથી રસ્તા પરથી દૂર કરી શકાશે. જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને માર્ગ અકસ્માતો પર પણ અંકુશ મેળવી શકાશે.


આ પણ વાંચોઃ Sandesh Explainer: લખનઉમાં અલિગંજના અગ્નિકાંડ બાદ પણ સળગતા સવાલો, આખરે આવી ઘટનાઓ બને છે કેમ?


  • Follow us on: