ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના પ્રારંભિક ચરણ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, ગુજરાતના આકાશમાંથી હાલ એક સિસ્ટમ (ટ્રફ) પસાર થઈ રહી છે, જેના પ્રભાવથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ગાજવીજ તથા તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને ત્યાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.


ચોમાસું મહારાષ્ટ્ર સર કરશે, ગુજરાતમાં થોડો વિલંબ

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં ચોમાસું ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકની અંદર ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. મહારાષ્ટ્રમાં ચોમાસું સેટ થયા બાદ તે ગુજરાત તરફ ગતિ કરશે, એટલે કે ગુજરાતમાં વિધિવત અને સાર્વત્રિક ચોમાસા માટે વાલીઓ અને ખેડૂતોએ હજુ થોડી રાહ જોવી પડશે. જોકે, આ સમય દરમિયાન પવનની દિશા બદલાશે અને 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેનાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.

અમદાવાદમાં ગરમી વચ્ચે વરસાદી માહોલ

બીજી તરફ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હજુ પણ મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે પ્રજા અસહ્ય ઉકળાટ અને બફારો સહન કરી રહી છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, આ ટ્રફ લાઇનના કારણે અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં ગાજવીજ સાથે હળવા કે મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ સૂકું અથવા માત્ર સામાન્ય વરસાદી ઝાપટાં પૂરતું મર્યાદિત રહેશે.

આ પણ વાંચો: Surendranagar: ધ્રાંગધ્રાના સોલડી પાસે સ્કૂલ બસ અને પીકઅપ વચ્ચે અકસ્માત, 12થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

  • Follow us on: