ધ્રાંગધ્રા તાલુકામાં આજે સવારના સમયે વિદ્યાર્થીઓ ભરેલી એક ખાનગી સ્કૂલની બસને નડેલા અકસ્માતે સમગ્ર જિલ્લાના વાલીઓ અને શિક્ષણ જગતને હચમચાવી દીધા છે. ધ્રાંગધ્રા પંથકની જાણીતી સનરાઈઝ સ્માર્ટ સ્કૂલની બસ રોજની જેમ સવારે વિદ્યાર્થીઓને લઈને શાળા તરફ આવી રહી હતી. આ દરમિયાન સોલડી ગામ નજીક મુખ્ય માર્ગ પર પુરઝડપે આવતી પીકઅપ ગાડી અને સ્કૂલ બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસની અંદર બેઠેલા બાળકો એકબીજા સાથે ભટકાતા ચીસાચીસ મચી ગઈ હતી.


અકસ્માતમાં 12 થી વધુ બાળકો ઘાયલ

આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર 12 થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક લોહીલુહાણ થયેલા માસૂમ બાળકોની વહારે ધાયા હતા અને ખાનગી વાહનો તેમજ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં અકસ્માતના સમાચાર મળતા જ દોડી આવેલા વાલીઓના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું હતું.

પાપ છુપાવવા બસ ગાયબ કરાઈ હોવાનો આક્ષેપ

આ અકસ્માત બાદ સૌથી મોટો વિવાદ અને ચર્ચા એ વાતની છે કે સનરાઈઝ સ્માર્ટ સ્કૂલના સંચાલકોએ આરટીઓ (RTO) અને પોલીસની કડક કાનૂની કાર્યવાહીથી બચવા માટે, અકસ્માતગ્રસ્ત બસને ક્રેન કે અન્ય વાહન દ્વારા ઘટનાસ્થળેથી હટાવી કોઈ અજ્ઞાત લોકેશન પર છુપાવી દીધી છે. સ્થાનિકો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્કૂલ બસમાં આરટીઓ કાયદા મુજબની જરૂરી સ્કૂલ બસ પરમિટ, ડ્રાઇવરનું કાયદેસરનું ડ્રાઇવિંગ લાઇસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ કે થર્ડ પાર્ટી વીમો પણ નહોતો. આ ડિજિટલ અને કાગળિયાંની મોટી ક્ષતિઓ બહાર ન આવે તે માટે જ બસને ગાયબ કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. હાલમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતાને જોઈને ગુનો નોંધી, બસ ક્યાં છુપાવી છે તે શોધવા અને બેદરકાર સંચાલકો સામે કડક કાનૂની સકંજો કસવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Vapi: સર્વિસ રોડ પરથી હાઇવે પર ચઢતી વખતે કાળમુખા કન્ટેનરે કારને લીધી અડફેટે

  • Follow us on: