વાપીમાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વાપીના બલિઠા વિસ્તાર નજીક હાઇવે પર એક એવી રૂવાડા ઉભા કરી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી, જેનો વીડિયો જોઈને કોઈપણ વ્યક્તિ કંપી ઉઠે. હાઇવેના સર્વિસ રોડ પરથી એક કાર સત્તાવાર રીતે નેશનલ હાઇવે 48 ના મુખ્ય ટ્રેક પર ચઢવાનો પ્રયાસ કરી રહી હતી, તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક કન્ટેનરના ચાલકે કારને જોરદાર ટક્કર મારી દીધી હતી.
ડિવાઈડર પર લટકી કાર, લોકો દોડ્યા
કન્ટેનરની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર જ થોડે દૂર સુધી ઘસડાઈ હતી અને ત્યારબાદ ફંગોળાઈને બલિઠા ઓવરબ્રિજના ઉંચા ડિવાઈડર ઉપર ફિલ્મી સ્ટાઈલથી લટકી ગઈ હતી. અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક કાર સવારોની મદદ માટે દોડી આવ્યા હતા. કારનો આગળનો અને સાઈડનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. પરંતુ, નસીબ જોગ કારમાં સવાર મુસાફરોને માત્ર સામાન્ય ઇજાઓ થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. લોકો આ ઘટનાને ભગવાનનો મોટો ચમત્કાર માની રહ્યા છે.









