ઉત્તર ગુજરાતની ખેતી અને પશુપાલન માટે કરોડરજ્જુ સમાન ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ધીમી ગતિ અને ઉપરવાસમાં વરસાદ ન પડવાના કારણે મોટું જળ સંકટ ઊભું થયું છે. જિલ્લાના લાખો ખેડૂતોની આશા જેના પર ટકેલી છે તે દાંતીવાડા ડેમની સ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે. સત્તાવાર અહેવાલ મુજબ, ડેમની જળ સપાટી ઘટીને 570 ફૂટે પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે ડેમમાં હવે તેની કુલ ક્ષમતાના માત્ર 27 ટકા જ પાણી બચ્યું છે.
ખેડૂતો માટે કેનાલના દરવાજા બંધ
ડેમમાં પાણીની આટલી વિકટ પરિસ્થિતિને જોતા સિંચાઈ વિભાગે એક કટોકટીપૂર્ણ નિર્ણય લીધો છે. કેનાલ દ્વારા બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે અપાતું સિંચાઈનું પાણી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્રના આ નિર્ણયથી વાવણીની તૈયારી કરી રહેલા અને આગોતરા પાકનું વાવેતર કરી ચૂકેલા જગતના તાત પર આભ તૂટી પડ્યું છે. જો આગામી દિવસોમાં મુશળધાર વરસાદ નહીં થાય, તો ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની જશે અને ચાલુ સિઝન નિષ્ફળ જવાની પૂરેપૂરી આશંકા છે.










