અમદાવાદ શહેરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક કારોબાર બાદ હવે નશાના કાળા કારોબારનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા બે સ્પા પર રેડ કરીને મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસને તપાસ દરમિયાન સ્પાની અંદરથી જ અંદાજે 15 લાખ રૂપિયાની કિંમતનું 150.080 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સ્પામાં આવતા ગ્રાહકોને જ ડ્રગ્સ વેચતા હતા સંચાલકો
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ પોતપોતાના સ્પા ચલાવે છે. તેઓ સ્પાની આડમાં ગ્રાહકોને ટાર્ગેટ બનાવીને ગુપ્ત રીતે ડ્રગ્સનું વેચાણ કરતા હતા. રાજસ્થાનના બાલોત્રા ગામથી આ મેફેડ્રોન ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું અને તેને સ્પાની અંદર જ સ્ટોક કરીને રાખવામાં આવતું હતું.













