સુરતમાં 24 મે 2019ના રોજ તક્ષશિલા આર્કેડ નામની ઇમારતમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતાં. આવી જ ઘટના ઉત્તર પ્રદેશના લખનઉમાં બની છે.જેમાં આ લખાય છે ત્યાં સુધીમાં 15 લોકોના મોત નિપજ્યાં છે. પોતાનો જીવ બચાવવા માટે લોકો છત પરથી કૂદી ગયા હતાં. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઉંમર 20થી 24 વર્ષ સુધીની હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં આ ઘટના કોચિંગ ક્લાસ અને લાયબ્રેરીમાં બની હોવાનું સામે આવ્યું હતું પણ બાદમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે ત્યાં પેટ શોપ અને ગેમિંગ ઝોન હતો. જ્યાં કેટલાક કર્મચારીઓ ગેમિંગ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતાં.
લોકો જીવ બચાવવા માટે બાલ્કની અને છત પરથી કૂદી ગયા
લખનૌના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પુરનિયામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગ સૌથી પહેલા ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને ત્યારબાદ તે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ.આગ લાગી તે સમયે ઈમારતના બીજા માળે ચાલતા કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હાજર હતા.આગ જોઈને કોચિંગના બાળકો ગભરાઈ ગયા અને ચીસાચીસ કરવા લાગ્યા હતાં. ઘણા બાળકો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે બાલ્કની અને છત પરથી કૂદી પડ્યા હતા. આગ હેડ હોપર 3D આર્ટ સ્ટુડિયોમાં લાગી હતી.ઈમારતના નીચેના ભાગમાં એક પેટ શોપ પણ ચાલી રહી હતી.જેમાં ઘણા પાલતુ પ્રાણીઓ હતા.

જે ઈમારતમાં આગ લાગી ત્યાં શું શું ચાલતુ હતું?
આ ઈમારતના ઉપરના માળે હેડ હોપર્સ સ્ટુડિયો ચાલતો હતો. આ સ્ટુડિયોમાં એનિમેશન, ગેમિંગ ઝોન, ગ્રાફિક્સ એનિમેશન, ડિઝાઇનિંગ સ્ટુડિયો અને 3D AAA સ્ટુડિયોનું સંચાલન થતું હતું.બીજી તરફ નીચેના માળે અલીગંજ પેટ ક્લિનિક આવેલું હતું.આ ઈમારતમાં એક લાઇબ્રેરી, કોમ્પ્યુટર કોર્સ કોચિંગ સેન્ટર અને ગેમિંગ ઝોન કાર્યરત હોવાથી ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,આગ હેડ હોપર 3D આર્ટ સ્ટુડિયોમાં લાગી હતી. આગ લાગ્યા બાદ આખી ઈમારત ઘેરા ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જેના કારણે અંદર ફસાયેલા લોકો સુધી પહોંચવું અત્યંત પડકારજનક બની ગયું હતું.રેસ્ક્યુ ટીમને ઘણી જગ્યાએ દીવાલ કાપીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો.
તાળું મારેલું હોવાથી વિદ્યાર્થીઓ છત જઈ ના શક્યા
કોચિંગમાં કામ કરતી એક મહિલાએ જણાવ્યું કે છત પર તાળું મારેલું હતું. આ કારણે વિદ્યાર્થીઓ છત પર જઈ શક્યા ન હતા.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ફાયર-ફાઈટર્સ આવે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેટલાક બાળકોના શરીરે આગ પકડી લીધી હતી.ત્યારબાદ તેઓ પોતાનો જીવ બચાવવા માટે છત પરથી કૂદી પડ્યા હતા.
ઇમારતના કાચ પથ્થરો વડે તોડી નાખ્યા
સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ મીડિયાને જણાવ્યું કે આગ લાગ્યા બાદ પરિસ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી. ફાયરની ગાડીઓ લગભગ અડધા કલાક બાદ ઘટનાસ્થળે પહોંચી હતી.આ દરમિયાન ઇમારતની અંદર ફસાયેલા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઇમારતના કાચ પથ્થરો વડે તોડી નાખ્યા હતા.જેવા કાચ તૂટ્યા કે તરત જ અનેક યુવક યુવતીઓ છત અને ખુલ્લા ભાગોમાંથી કૂદીને બહાર નીકળવા લાગ્યા અને અનેક પ્રયાસો કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
લોકોને સ્ટ્રેચર અને ભીના ધાબળાની મદદથી રેસ્ક્યૂ કરાયા
રાહત અને બચાવ ટીમોએ સમયસર કાર્યવાહી કરીને પ્રાણીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ આખી ઈમારત ઘેરા ધુમાડાથી ભરાઈ ગઈ હતી.જેના કારણે અંદર ફસાયેલા લોકો સુધી પહોંચવું અત્યંત પડકારજનક બની ગયું હતું.રેસ્ક્યુ ટીમને ઘણી જગ્યાએ દીવાલ તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો.ફાયર બ્રિગેડના જવાનો, NDRF અને પોલીસની સંયુક્ત ટીમોએ ઈમારતની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અભિયાન ચલાવ્યું હતું.ઘણા લોકોને સ્ટ્રેચર અને ભીના ધાબળાની મદદથી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતા.
આગ જેવી દુર્ઘટનાઓ પાછળના મુખ્ય કારણો
અગ્નિકાંડની ઘટનાઓ મુખ્યત્વે સલામતીના નિયમોની ઘોર બેદરકારી, ફાયર સેફ્ટીના અભાવ, ગેરકાયદેસર બાંધકામ અને શોર્ટ સર્કિટ જેવી માનવસર્જિત ભૂલોને કારણે સામે આવે છે. મોટાભાગની ફેક્ટરીઓ, શાળાઓ કે કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિશામક સાધનો)કે વોટર સ્પ્રિંકલર જેવી સુવિધાઓ હોતી નથી. નબળા વાયરિંગ, ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિકલ સાધનો અને ક્ષમતા કરતાં વધુ વીજળીના ઉપયોગથી આગ ભડકી ઉઠે છે.નિયમો વિરુદ્ધ જઈને પાર્કિંગની જગ્યા કે રસ્તાઓ પર દબાણ કરવું, જેથી આગ લાગે ત્યારે બચવા માટેનો ઈમરજન્સી એક્ઝિટ બંધ થઈ જાય છે. બંધ મકાનો કે ફેક્ટરીઓમાં પ્લાસ્ટિક, કેમિકલ અથવા લાકડા જેવી સામગ્રી નિયમોની વિરુદ્ધ રાખવામાં આવે છે.જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય સમયે તપાસ (ઓડિટ) ન થવી અને ભ્રષ્ટાચારને કારણે નિયમોનું પાલન ન કરાવવું પણ આવા અગ્નિકાંડ થવા માટે જવાબદાર છે.
આ પણ વાંચોઃ Lucknowના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકોએ મારી છલાંગ, જુઓ VIDEO