ભારતમાં દારૂ અને બિયરના શોખીનોની કોઈ અછત નથી, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવું રાજ્ય પણ છે જે બિયર પીવાના મામલે બાકીના તમામ રાજ્યોને પાછળ છોડી ચૂક્યું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી (NIPFP) અને વિવિધ રાજ્યોના આબકારી વિભાગોના તાજેતરના ડેટા અનુસાર, તેલંગાણા ભારતમાં સૌથી વધુ બિયરનું વેચાણ કરતું રાજ્ય બની ગયું છે. અહીંના આંકડા એટલા ચોંકાવનારા છે કે જાણીને કોઈને પણ વિશ્વાસ નહીં થાય.
ઉનાળામાં માંગમાં 65% નો તોતિંગ વધારો
તેલંગાણામાં બિયરની લોકપ્રિયતા માત્ર સામાન્ય દિવસો પૂરતી મર્યાદિત નથી. ખાસ કરીને ગરમીની સિઝનમાં અહીં બિયરની માંગ આસમાને પહોંચી જાય છે. કાળઝાળ ગરમી અને હીટવેવ (લૂ) દરમિયાન રાજ્યમાં બિયરના વેચાણમાં રેકોર્ડબ્રેક 65% સુધીનો વધારો નોંધાય છે. આ દિવસોમાં રાજ્યમાં દરરોજ અંદાજે 2.2 લાખથી 2.3 લાખ કેસ બિયરનો વપરાશ થાય છે, જે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે.
ખર્ચ કરવામાં પણ તેલંગાણાના લોકો મોખરે
આ રિપોર્ટ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકોના ખર્ચ કરવાની ક્ષમતા પણ દર્શાવે છે. ડેટા અનુસાર, તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ 'ઇન્ડિયન મેડ ફોરેન લિકર' (IMFL) અને બિયર પાછળ વાર્ષિક સરેરાશ ₹3,061 પ્રતિ વ્યક્તિ ખર્ચ કરે છે. ભારતના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં દારૂ પાછળ પ્રતિ વ્યક્તિ કરવામાં આવતો આ સૌથી વધુ ખર્ચ છે.
મુંબઈ-બેંગલુરુને પછાડી હૈદરાબાદ બન્યું 'બિયર કેપિટલ'
તેલંગાણાની રાજધાની હૈદરાબાદ હવે દેશમાં બિયર વપરાશનું સૌથી મોટું હબ બની ગયું છે. બિયર વેચાણના મામલામાં હૈદરાબાદે દેશના મેટ્રો સિટીઝ ગણાતા મુંબઈ અને બેંગલુરુને પણ પાછળ છોડી દીધા છે. આંકડા દર્શાવે છે કે તેલંગાણામાં કુલ 972 લાઇસન્સ પ્રાપ્ત બાર છે, જેમાંથી 645 બાર તો માત્ર ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની સીમામાં જ આવેલા છે.
સરકારની તિજોરી છલકાઈ: રેકોર્ડબ્રેક કમાણી
બિયર અને દારૂના આ અસાધારણ વેચાણથી તેલંગાણા સરકારની આબકારી આવકમાં અધધ વધારો થયો છે. વર્ષ 2014-15માં રાજ્યની આબકારી આવક અંદાજે ₹10,000 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને ₹36,493 કરોડ પર પહોંચી ગઈ છે. તહેવારોની સિઝનમાં તો આ કમાણી તમામ મર્યાદાઓ તોડી નાખે છે. ફક્ત ડિસેમ્બર 2025ના એક જ મહિનામાં આખા રાજ્યમાં ₹5,102 કરોડના દારૂ અને બિયરનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું હતું.
આ પણ વાંચો:Giorgia Meloni: નથી છોડી શક્તી કહેનાર ઇટાલીના PM મેલોનીએ અંતે સિગારેટનું વ્યસન છોડ્યું