ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની માત્ર તેમના રાજદ્વારી નિર્ણયો કે પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો માટે જ નહીં, પરંતુ પોતાની આગવી જીવનશૈલી માટે પણ વૈશ્વિક મીડિયામાં હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન, મેલોનીએ એક એવો ખુલાસો કર્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. થોડા મહિનાઓ પહેલા જ "હું ક્યારેય સિગરેટ પીવાનું છોડી શકું તેમ નથી" એવું અડગપણે કહેનારા મેલોનીએ આખરે સ્મોકિંગને કાયમ માટે અલવિદા કહી દીધું છે. મંગળવારે સમિટના મંચ પર નેતાઓ વચ્ચે ચાલી રહેલી અનૌપચારિક વાતચીત દરમિયાન તેમણે જાતે જ આ વાત જાહેર કરી હતી.
G7 મંચ પર જ્યારે જામી નેતાઓની મહેફિલ
સમિટ દરમિયાન જ્યારે તમામ દેશોના વડાઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમની વચ્ચે હળવી પળો સર્જાઈ હતી. પીએમ મેલોનીએ વાતચીતમાં જણાવ્યું કે તેઓ જાગતા રહેવા માટે દિવસમાં ત્રણ-ત્રણ વાર કોફી પી રહ્યા છે. આ સાંભળીને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે મજાકમાં પૂછ્યું, "અને સાથે એક સિગરેટ પણ?" ત્યારે મેલોનીએ તુરંત જ હસતા હસતા જવાબ આપ્યો, "ના, મેં સ્મોકિંગ છોડી દીધું છે."
આ સાંભળીને ત્યાં હાજર જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને તેમના આ નિર્ણયને બિરદાવ્યો હતો. જ્યારે જર્મન ચાન્સેલરે ફરી ચપટી લેતા પૂછ્યું કે "શું ગઈકાલ રાતથી જ છોડી છે?", ત્યારે મેલોનીએ સ્પષ્ટ કર્યું કે તેમણે 1 મેથી એટલે કે દોઢ મહિના પહેલાથી જ સિગરેટને હાથ પણ લગાવ્યો નથી.
સ્મોકિંગ છોડીશ તો કદાચ કોઈની જાન લઈ લઈશ
ગયા વર્ષે ઇજિપ્તમાં યોજાયેલી ગાઝા પીસ સમિટ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને મેલોનીને સ્મોકિંગ છોડવાની સલાહ આપી હતી. ત્યારે પાસે ઉભેલા બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હસી પડ્યા હતા અને મેક્રોને કહ્યું હતું કે "આ અશક્ય છે." તેના જવાબમાં મેલોનીએ હસીને કહ્યું હતું કે, "મને ખબર છે, જો હું સ્મોકિંગ છોડીશ તો કદાચ કોઈની જાન લઈ લઈશ!" એટલે કે તેમની આ આદત એટલી કડક હતી કે તેને છોડવી અશક્ય મનાતી હતી, પણ હવે તેમણે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે.
15 વર્ષની ઉંમરે રાજકારણ અને સિગરેટનું જોડાણ
1977માં રોમમાં જન્મેલા જોર્જિયા મેલોનીનું બાળપણ સંઘર્ષપૂર્ણ રહ્યું હતું. પિતા નાની ઉંમરે પરિવાર છોડીને ચાલ્યા ગયા બાદ તેમની માતાએ જ તેમનો એકલા હાથે ઉછેર કર્યો હતો. મેલોની માત્ર 15 વર્ષની ઉંમરે રાજકારણમાં સક્રિય થયા હતા અને 2006માં સંસદ સભ્ય બન્યા હતા. તેમણે પોતાના પુસ્તક 'આઈ એમ જોર્જિયા'માં લખ્યું છે કે પુરૂષપ્રધાન રાજકારણમાં શરૂઆતના દિવસોમાં અન્ય નેતાઓ સાથે મેળજોળ વધારવા અને સંબંધો મજબૂત કરવામાં સિગરેટે તેમને ઘણી મદદ કરી હતી.
વૈશ્વિક પત્રકારોના મતે, આજના સમયમાં સ્મોકિંગ કરવું એ મેલોની માટે એક પ્રકારની બગાવત અને પોતાની આઝાદી વ્યક્ત કરવાનો અંદાજ હતો. વળી, મોટી ઉંમરના પુરૂષ નેતાઓ વચ્ચે પોતાની મર્યાદા જાળવી રાખવા માટે પણ આ આદત ક્યાંક ને ક્યાંક તેમનું હથિયાર બની રહી હતી.
સ્મોકિંગના કારણે ચર્ચામાં રહેલા અન્ય વૈશ્વિક નેતાઓ
ઇતિહાસ અને વર્તમાનમાં માત્ર મેલોની જ નહીં, પરંતુ દુનિયાના અન્ય શક્તિશાળી નેતાઓ પણ પોતાની સ્મોકિંગની આદતો માટે જાણીતા રહ્યા છે:
વિન્સ્ટન ચર્ચિલ: બ્રિટનના ભૂતપૂર્વ પીએમ હંમેશા હાથમાં મોટી સિગાર રાખવા માટે જાણીતા હતા, જે તેમની મજબૂત નેતાગીરીનું પ્રતીક બની ગઈ હતી.
ફિદેલ કાસ્ટ્રો: ક્યુબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દાયકાઓ સુધી સિગારના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર જેવા દેખાતા હતા, જો કે 1985માં સ્વાસ્થ્યના કારણે તેમણે તે છોડી દીધી હતી.
બરાક ઓબામા: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ સિગરેટની લતથી ઝઝૂમ્યા હતા, પરંતુ પત્ની મિશેલ ઓબામા અને પુત્રીઓના દબાણના કારણે તેમણે આખરે સ્મોકિંગ છોડવું પડ્યું હતું.
કિમ જોંગ ઉન: ઉત્તર કોરિયાના સરમુખત્યાર સત્તાવાર પ્રવાસો અને મિસાઈલ પરીક્ષણો દરમિયાન પણ ખુલ્લેઆમ સિગરેટ પીતા જોવા મળે છે.
આ પણ વાંચો:Evian City:PM મોદી એ વૈભવી શહેરમાં રોકાયા છે જ્યાંનું પાણી પ્રખ્યાત છે. 15 વર્ષે બનનારુ પાણી 140 દેશમાં થાય છે સપ્લાય